- ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ
- હરમનપ્રીત એન્ડ કંપનીએ એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું
- દીપ્તિ શર્માએ મેચમાં લીધી કુલ 9 વિકેટ
ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારતની દીકરીઓએ ઇંગ્લેન્ડનો ગુરૂર તોડ્યો છે. એકમાત્ર ટેસ્ટ મેચમાં હરમનપ્રીતની કપ્તાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું અને જીત નોંધાવી છે. પ્રથમ દાવ બાદ બીજી ઈનિંગમાં પણ દીપ્તિ શર્માના જાદુએ ઈંગ્લિશ બેટ્સમેનોને હંફાવી દીધા અને આખી ટીમ માત્ર 131 રનમાં જ સમેટાઈ ગઈ. આ જીત સાથે ભારતીય ટીમના નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે.
ભારતીય ટીમના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 347 રનથી હરાવીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીતનો સ્વાદ ચાખ્યો છે. હરમનપ્રીત એન્ડ કંપનીએ 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 1998માં શ્રીલંકાની મહિલા ટીમે પાકિસ્તાનને 309 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, 1972 માં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 172 રને હરાવ્યું હતું. એટલે કે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમે રનના મામલે અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે.
દિપ્તી – પૂજાનો ચાલ્યો જાદુ
પ્રથમ દાવમાં માત્ર 7 રનમાં પાંચ વિકેટ લેનારી દીપ્તિ શર્માના જાદુએ બીજી ઇનિંગમાં પણ ઇંગ્લિશ બેટ્સમેનોને આકરા પાણીએ લીધા હતા. દીપ્તિએ 8 ઓવરના સ્પેલમાં 32 રન આપ્યા અને ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ સાથે જ પૂજા વસ્ત્રાકરને ત્રણ વિકેટ મળી હતી. રાજેશ્વરી ગાયકવાડે પણ 2 વિકેટ પોતાના નામે કરી હતી. દીપ્તિ શર્માએ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી, જેના માટે તે મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી હતી.
બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડના હાલ બેહાલ
પ્રથમ દાવમાં 136 રન બનાવનાર ઈંગ્લેન્ડની ટીમની હાલત બીજી ઈનિંગમાં વધુ ખરાબ થઈ ગઈ હતી. ઇંગ્લિશ ટીમ બીજા દાવમાં માત્ર 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે કેપ્ટન હીથર નાઈટે સૌથી વધુ 21 રન બનાવ્યા જ્યારે ચાર્લોટ ડીન 20 રન બનાવીને અણનમ રહી. ટેસ્ટ ક્રિકેટમાંઆ ઈંગ્લેન્ડની સૌથી મોટી હાર થઈ છે.


