- બંને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા:સૂત્ર
- મૃતકનું ટેબલેટ FSLમાં મોકલવા તજવીજ હાથ ધરી
- 2020થી બંન્ને આવ્યા સંપર્કમાં આવ્યા હોવાની માહિતી
હાલમાં જ બનેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટરના આત્મહત્યા કેસમાં આગામી દિવસોમાં PI બી. કે. ખાચર સામે ફરિયાદ નોંધાવવાની શક્યતા છે. મહિલા ડૉકટર વૈશાલી જોષીના મામલે પોલીસે મૃતકના પરિવારજનોને અમદાવાદ આવીને ફરિયાદ નોંધાવવા માટે જણાવ્યું છે.
આ સાથે જ ડૉક્ટર વૈશાલી જોષીની સુસાઇડ નોટના લખાણને મેચ કરવા માટે પોલીસ વૈશાલીના લખેલા અન્ય લખાણ કે બુક્સ પણ મેળવશે. પ્રાથમિક તપાસમાં હાલ પોલીસને જાણવા મળ્યું હતું કે, 2020થી બંન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જેથી આગામી દિવસોમાં PI બી. કે. ખાચરની મુશ્કેલી વધી શકે તેમ છે.
ડૉ. વૈશાલી જોષીની સુસાઇડ નોટ પર હેન્ડ રાઇટીંગને મેચ કરવા માટે વૈશાલી જોષીના અન્ય લખાણના સેમ્પલ પણ એકઠા કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે. મૃતક વૈશાલી અને પીઆઇ ખાચર સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવા ઉપરાંત, અનેકવાર મળતા હતા. જેથી વૈશાલીના મોબાઇલ ઉપરાંત, ટેબલેટ સહિતના ગેઝેટ્સ પણ તપાસ માટે એકઠા કર્યા છે.
પોલીસને તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે વર્ષ 2020થી PI બી. કે. ખાચર અને વૈશાલી જોષી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ડૉકટર વૈશાલી જોષીના આત્મહત્યાના કેસમાં ફરિયાદ નોંધવા માટે ગાયકવાડ હવેલી પોલીસે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે બોલાવ્યા છે. આગામી બે દિવસમાં પરિવારજનો PI બી. કે. ખાચર સામે ફરિયાદ નોંધાવી શકે છે અને તેમના નિવેદન લેવામાં આવશે.


