એક બહુ જ મોટા જાણકાર વિદ્વાન, ધર્મજ્ઞ, શાસ્ત્રજ્ઞ, વેદજ્ઞ પોતાના બધા ગ્રંથો પોતાના માથા પર મૂકીને એક સંત પાસે ગયા. તો એક સંત-ફકીર બેઠા છે. કોઈ પહોંચેલા બુદ્ધપુરુષ છે. એ વિદ્વાન સંતને નિવેદન કરે છે કે બાબા, મને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દો. તો મુસ્કુરાઈને સંતે કહ્યું કે પહેલાં એક કામ કરો, માથા પર આ જે બોજ છે એ ઉતારી દો, વિશ્રામ કરો.
પેલાને થયું કે મારું જ્ઞાન હું નીચે કેવી રીતે ઉતારું? મારું જ્ઞાન તો ઊંચું છે! પરંતુ એ સાહસી હતો. એણે વિચાર્યું કે કંઈ પણ થઈ જાય, એકવાર આ જાણકારીનું પોટલું નીચે ઉતારી દઉં. પોટલું નીચે ઉતારી દીધું. પછી મહાત્માએ કહ્યું, ચાલો, હવે આપણે ચર્ચા શરૂ કરીએ. વિદ્વાને કહ્યું, પરમાત્માની પ્રાપ્તિ કરાવી દો. પૂછતાં પૂછતાં પણ એ જ્ઞાનીએ પેલા શાસ્ત્ર-ગ્રંથોને એક હાથે પકડી રાખ્યો કે ક્યાંક છૂટી ન જાય! મહાત્માએ કહ્યું, `તેં કોઈને પ્રમે કર્યો છે?’, `આપ મહાત્મા થઈને પ્રેમની વાત કરો છો?’ મહાત્માએ કહ્યું, `તારે પહેલાં પ્રેમની જાણકારી મેળવવી પડશે, પછી તને પરમાત્માનાં દર્શન કરાવી દઉં. મારું વચન છે. એક મહિના પછી મળીશું.’ પેલાને પરમાત્મા પર વિશ્વાસ હતો એટલે થયું, આ માણસ કહે છે તો થોડો અનુભવ તો કરું.
એક મહિનો વીત્યો. બે મહિના વીત્યા, છ મહિના વીત્યા. એ મહાત્મા પેલાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એ સાધુ એને શોધવા ગયા. એના ગામ ગયા તો પેલો માણસ પોતાના આંગણામાં બેસીને ચોધાર આંસુએ રડી રહ્યો છે! ચહેરા ઉપર મુસ્કુરાહટ છે! ક્યારેક નાચે છે, ક્યારેક ગાય છે! અને સંતે આવીને એનો હાથ પકડ્યો, `છ મહિના વીતી ગયા, તું આવ્યો નહીં? મારે તારી પાસે આવવું પડ્યું! હું તને પરમાત્માની પ્રાપ્તિ કરાવવાનો છું.’ પેલાએ કહ્યું, `કોની પ્રાપ્તિ કરવી? મેં પ્રેમ કરી લીધો, પરમાત્મા શેષ બચ્યા જ નથી!’ પ્રેમ જ પરમાત્મા છે.
રામહિ કેવલ પ્રેમુ પિઆરા.
જાનિ લેઉ જો જાનનિહારા.
ભક્તિ કોને કહેવાય એ બતાવવું પડે! ભક્તિ પ્રગટ થાય છે ત્યારે જગાડવાની જરૂર નથી હોતી. આખું ત્રિભુવન જાગી જાય છે. એક વ્યક્તિમાં જ્યારે પ્રેમ અંશ પ્રગટ થાય છે ત્યારે આખો માહોલ બદલી જાય છે.
યાદ રાખજો, દુન્યવી સુખ મહેનતથી મળશે, પરંતુ અંત:કરણનું સુખ કોઈની રહેમતથી જ મળે છે. દહેશતથી કંઈ નથી મળતું. તમે કામ કરો, પણ દરેક કામમાં શંકા કરો તો એ થશે? નહીં થાય. દહેશતથી કંઈ નહીં થાય, મહેનતથી થોડુંક થશે અને રહેમતથી બધું જ થશે. એનો અર્થ સમાજ નિષ્કર્મ બની જાય એમ હું નથી કહેતો. પુરુષાર્થ કરવો જોઈએ, પરંતુ રહેમત વિના પરમ સુખ પ્રાપ્ત થતું નથી. સમય મળે ત્યારે રહેમતનું સ્મરણ કરો કે મારી દુકાન કોણ ચલાવે છે? મારા શ્વાસ કોણ ચલાવે છે? ગુરુનું સ્મરણ ન કરો તો ચિંતા નહીં, ગુરુકૃપાનું સ્મરણ કરો.
`મહાભારત’ની ઘટના તરફ તમારું ધ્યાન આકૃષ્ટ કરવા માગું છું. જ્યારે યુદ્ધ નિશ્ચિત થયું ત્યારે અર્જુન અને દુર્યોધન ભગવાન કૃષ્ણ પાસે સહાય માટે જાય છે. એ વખતે ભગવાન કૃષ્ણ વિશ્રામમાં છે. અર્જુન ભગવાન કૃષ્ણનાં ચરણોમાં બેસી જાય છે. દુર્યોધનમાં મૂઢતા છે, અહંકાર છે. દુર્યોધનનો બાપ આંધળો હતો. દુર્યોધન બહેરો હતો. એને થયું કે હું કંઈ આ ગોવાળનાં ચરણોમાં થોડો બેસું? હું કૌરવશ્રેષ્ઠ છું. તો એ મસ્તક પાસે બેસી ગયો. ભગવાન કૃષ્ણ જાગ્યા તો સ્વાભાવિક રીતે જ એમની પહેલી દૃષ્ટિ અર્જુન પર પડી, `ધનંજય, ક્યારે આવ્યા?’ યોગેશ્વર, પ્રણામ. હમણાં આવ્યો. દુર્યોધન પણ આવ્યા છે. `કંઈ ખાસ કામ?’, `અમે આપને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે યુદ્ધ થવાનું છે, તો આપની ભૂમિકા કઈ રહેશે?’ કૃષ્ણ બોલ્યા, `હું તો અકર્તા ઈશ્વર છું. હું કંઈ કરતો નથી. એકના પક્ષમાં નારાયણી સેના રહેશે. હું કંઈ કરીશ નહીં. સાથે રહીશ. યુદ્ધ નહીં લડું.’ દુર્યોધન બોલ્યો, `પહેલાં હું આવ્યો છું, તો માગવાનો પહેલો અધિકાર મારો છે.’ એણે નારાયણી સેના માગી લીધી. કૃષ્ણએ કહ્યું, `તમારી સાથે મારી નારાયણી સેના રહેશે અને તમારા તરફથી લડશે અને અકર્તા હું અર્જુનના પક્ષમાં રહીશ.’ નિર્ણય થઈ ગયો. અહીં મને ઓશોનું વક્તવ્ય યાદ આવે છે. ઓશોનું સુંદર નિવેદન છે કે અર્જુન કૃષ્ણને લઈ લે છે ત્યારે જ એનો વિજય થઈ ચૂક્યો છે, માત્ર ઔપચારિકતા બાકી રહી છે. જે ચરણમાં બેસી ગયો છે, જેણે શરણ લઈ લીધું છે એનો વિજય થઈ ચૂક્યો છે.
કૃષ્ણએ ફરીથી કહ્યું, `અર્જુન, વિચારી લેજે. હું કંઈ કરીશ નહીં. તારો રથ ચલાવીશ, પરંતુ હાથમાં હથિયાર નહીં લઉં.’ અર્જુન મનમાં મુસ્કુરાય છે! જેનો રથ ગોવિંદ ચલાવે છે, પછી હજાર વાર હારી જાઉં તોય વિજય છે. અર્જુનના દિલમાં વિજયોત્સવ થઈ ગયો. કૃષ્ણએ યુદ્ધ નથી કર્યું. શસ્ત્ર નથી લીધાં, રથનું પૈડું લીધું છે. રોજ યુદ્ધ પૂરું થતું ત્યારે કૃષ્ણ રથમાંથી ઊતરતા અને પછી અર્જુનને ઊતરવાનું કહેતા. આજે પહેલીવાર યુદ્ધ વિરામ થયા બાદ કૃષ્ણએ અર્જુનને કહ્યું, `તું પહેલાં ઊતરી જા.’ એ અકર્તા છે, પરંતુ બધું એમણે જ કર્યું છે, એ કોઈ નથી જાણતું. ગુરુ કોણ છે? શું કરે છે? બુદ્ધપુરુષ કંઈ નથી કરતા. એ બિલકુલ અકર્તાની માફક રહે છે, પરંતુ ઘટના ઘટે છે ત્યારે માનવું પડે છે કે બધું એણે જ કર્યું છે. અર્જુને કહ્યું, `રોજ તો આપ નીચે ઊતરીને મને ઊતરવાનું કહો છો.’ કૃષ્ણ કહે છે, `ઊતર, બકવાસ બંધ કર! અને ઘટના ઘટે છે. કૃષ્ણ જેવા નીચે ઊતર્યા કે તરત ધજામાંથી હનુમાન નીકળી ગયા! અહીં કૃષ્ણ રથમાંથી ઊતર્યા. આ બાજુ હનુમાન ધજામાંથી ઊતર્યા, એ જ વખતે રથમાં આગ લાગી ગઈ અને રથ બળી ગયો! `ગોવિંદ, આ શું?’, `ધનંજય, તું એમ માનતો હતો કે તારી પાસે જ અગ્નિનાં બાણ હતાં, બીજા પાસે નહોતાં? તારાથી અનેકગણી વિદ્યા એ લોકો પાસે હતી. અગ્નિનાં બાણ તારા રથમાં આવતાં હતાં, પરંતુ બાળતાં નહોતાં, કેમ કે એમાં બે વ્યક્તિ બેઠી હતી, ગુરુ-ગોવિંદ બંને બેઠા હતા. હું છું અકર્તા, પરંતુ બધું કરનારો પણ હું જ તો છું.’ અને આ દેહમાંથી પણ જ્યારે કૃષ્ણ નીકળી જાય છે પછી દેહને બળવા સિવાય બચે છે શું? રહેમત ગુપ્ત હોય છે. એ બૌદ્ધિક સ્તરે સમજાતી નથી.
આપણા બધા પર કોઈ ને કોઈ બુદ્ધપુરુષનું કર્મ કામ કરી રહ્યું છે, એ દેખાતું નથી. બૌદ્ધિકતાથી એ સમજાતું નથી. પેલા પંડિતે કહ્યું, હવે પરમાત્માને શું પામવા? મેં પ્રેમ પામી લીધો. રહેમતથી કામ થઈ ગયું. આપણા સૌની આ મોજ અને આનંદનું કારણ છે કોઈની રહેમત.