- ભારતીય મિસાઇલનો પડછાયો પકડવાનો ચીનનો વધુ એક પ્રયાસ
- બંગાળની ખાડીમાં ફરી એકવાર ચીને ઉતાર્યા પોતાના જાસૂસી જહાજ
- અગ્નિ-5 મિસાઇલ બાદ ભારત કરશે છે K-4 મિસાઈલનું પરીક્ષણ
ભારતના મિસાઇલ અભિયાનથી ચીન એટલી હદે ડરેલું છે કે પરીક્ષણના અંદાજ થી જ ડ્રેગનની ઊંઘ હરામ થઈ જાય છે અને હિન્દ મહાસાગરમાં ધામા નાખી દે છે. ભારતે ચાઇના કીલર ગણાતા અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધું છે. તેનું કારણ એ છે કે અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 કિલોમીટર સુધીની છે. આ મિસાઇલમાં પહેલીવાર MIRV ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સફળ રહ્યો છે. ભારત હવે K-4 મિસાઇલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે જેને લઈને ચીન એકવાર ફરી બેબાકળું થઈ ગયું છે.
16 માર્ચ આસપાસ ભારત કરી શકે છે પરીક્ષણ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અગ્નિ-5 મિસાઇલના પરીક્ષણ દરમિયાન પણ ચીને હિન્દ મહાસાગરમાં પોતાના જાસૂસી જહાજ તૈનાત કર્યા હતા. હવે K-4 મિસાઇલ પરીક્ષણ દરમિયાન ચીને વિશાખાપટ્ટનમથી થોડે દૂર આંતરરાષ્ટ્રીય જલસીમામાં પોતાના કથિત શોધ જહાજ ઝિયાંગ યાંગ હોંગ 01ને તૈનાત કરી દીધું છે. કહેવાઈ રહ્યું છે કે ભારત 16 માર્ચ સુધી પોતાની K-4 મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે એટલે આ વિસ્તારથી દરિયાઈ જહાજોને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ભારત સબમરીન દ્વારા લોન્ચ કરી શકે છે K-4 મિસાઇલ
ભારતે સબમરીન દ્વારા પોતાની K-4 મિસાઈલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ભારત પરમાણુ સબમરીન INS અરિહંતથી K-4 સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી શકે છે. આ મિસાઈલની રેન્જ લગભગ 3500 કિલોમીટર હોવાનું કહેવાય છે. ભારતની K-4 મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે. આ જ કારણ છે કે ચીનની ઊંઘ ઊડી ગઈ છે, કારણ કે સબમરીનમાંથી છોડવામાં આવેલ મિસાઈલને ટ્રેસ કરવી સરળ નથી હોતી.
રવિવારે બંગાળની ખાડીમાં પ્રવેશ્યું છે ચીની જાસૂસી જહાજ
વિશ્લેષકોનું માનવું છે કે ચીને ભારતની K-4 મિસાઈલ અંગે જાણકારી એકઠી કરવા માટે હિંદ મહાસાગરમાં પોતાનું જાસૂસી જહાજ તૈનાત કર્યું છે. ચીનનું ઝિયાંગ યાંગ હોંગ 01 જહાજ આવા ઘણા સોનારથી સજ્જ છે જે સબમરીનની હિલચાલ પર નજર રાખે છે. મરીન ટ્રાફિકના રિપોર્ટ અનુસાર ચીનનું જહાજ શિયાંગ યાંગ હોંગ 01 તાજેતરમાં 23 ફેબ્રુઆરીના રોજ ચીનના કિંગદાઓ પોર્ટથી રવાના થયું હતું. આ જહાજે રવિવારે બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યો હતો. ચીનનું હોંગ 01 જહાજ ક્યાં જશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ભારતીય નૌસેના રાખી રહી છે ચીની જહાજ પર નજર
ભારતની K-4 મિસાઈલના પરીક્ષણ બાદ પાણી, જમીન અને હવામાં ભારતની તાકાતમાં વધારો થશે. આ મિસાઈલનું સૌપ્રથમ 2020માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌસેના પણ ચીનના જાસૂસી જહાજ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલદીવમાં મોહમ્મદ મુઈજ્જુના રાષ્ટ્રપતિ બન્યા બાદ હિંદ મહાસાગરમાં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે. માલદીવે ચીન સાથે ગુપ્ત સૈન્ય કરાર પણ કર્યા છે.


