– હાઉસિંગ સેક્ટરને કુલ ૬૭૯.૯ મિલિયન ડોલર સંસ્થાકીય રોકાણ પ્રાપ્ત થયું
Updated: Oct 27th, 2023
મુંબઈ : વર્તમાન કેલેન્ડર વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશમાં રહેણાંક મિલકતોમાં સંસ્થાકીય રોકાણ ૭૧ ટકા વધીને ૨૯૮.૩ મિલિયન ડોલર થયું છે. તેમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ વેસ્ટિયનના એક રિપોર્ટમાં જણાવાયું હતું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં હાઉસિંગ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણનો આંકડો ૧૭૪.૩ મિલિયન ડોલર હતો.
ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રે ૨૦૨૩ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ ૬૭૯.૯ મિલિયન ડોલર સંસ્થાકીય રોકાણ મેળવ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૩૭૪.૩ મિલિયન ડોલર કરતાં ૮૨ ટકા વધુ છે. જો કે, વિદેશી ભંડોળના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, કુલ સંસ્થાકીય રોકાણમાં અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં ૫૭ ટકાનો ઘટાડો થયો હતો.
પડકારરૂપ મેક્રો ઇકોનોમિક વાતાવરણમાં વિદેશી રોકાણકારોના રસમાં ઘટાડો થવાને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સંસ્થાકીય રોકાણ ધીમી પડી ગયું છે. મોટી કંપનીઓ હવે તેમના કર્મચારીઓને તેમની ઓફિસમાં બોલાવી રહી છે. જેના કારણે દેશમાં ઓફિસ સ્પેસની માંગ વધી શકે છે. આવી સ્થિતિમાં આગામી ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટમાં રોકાણ વધી શકે છે.ત્રીજા ક્વાર્ટરમાં કુલ સંસ્થાકીય રોકાણમાં સ્થાનિક રોકાણકારોનો હિસ્સો વધીને ૭૧ ટકા થયો છે. તે જ સમયે, ગયા વર્ષના સમાન સમયગાળામાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ૫૫ ટકાથી ઘટીને ૨૭ ટકા થયો છે.


