– વૈશ્વિક અર્થતંત્ર ફુગાવો, ધીમી વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા માટેના જોખમો જેવા ત્રણ પડકારોનો સામનો કરે છે
Updated: Oct 21st, 2023
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વ્યાજ દરો અત્યારે ઊંચા રહેશે અને તે આ ઊંચા સ્તરે કેટલો સમય રહેશે તે તો સમય જ કહેશે. વર્તમાન ભૌગોલિક રાજકીય સંકટને ધ્યાનમાં રાખીને, વિશ્વભરની મુખ્ય કેન્દ્રીય બેંકોએ ઉચ્ચ ફુગાવાને પહોંચી વળવા માટે તેમના મુખ્ય નીતિ દરોમાં વધારો કર્યો છે.
જોકે, ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે ફેબુ્રઆરીથી પોલિસી રેટમાં વધારો કર્યો નથી. તે ૬.૫ ટકા પર અકબંધ છે. અગાઉ, ગયા વર્ષે મે માસથી રેપો રેટમાં કુલ છ વખતમાં ૨.૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.દાસે ઉમેર્યું હતું કે ભાવ સ્થિરતા અને નાણાકીય સ્થિરતા એકબીજાના પૂરક છે રિઝર્વ બેન્કે બંનેને અસરકારક રીતે સંચાલિત કરવાનો પ્રયાસ કર્યો છે. શાકભાજી અને ઈંધણના ભાવમાં નરમાઈને કારણે સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે છૂટક ફુગાવો ૫.૦૨ ટકાના ત્રણ મહિનાના નીચા સ્તરે આવી ગયો હતો.
ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો ઓગસ્ટમાં ૬.૮૩ ટકા અને સપ્ટેમ્બર ૨૦૨૨માં ૭.૪૧ ટકા હતો. જુલાઈમાં મોંઘવારી દર ૭.૪૪ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેન્કે આ વર્ષે ફેબુ્રઆરીમાં પોલિસી રેટમાં વધારો કર્યો નથી.
નાણાકીય નીતિની અસર ડિજિટલ પેમેન્ટ દ્વારા ઝડપથી અને અસરકારક રીતે દેખાઈ રહી છે. નાણાકીય નીતિ હંમેશા પડકારજનક રહે છે અને આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર હવે ત્રણ પડકારોનો સામનો કરે છે. જેમાં ફુગાવો, ધીમી વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા માટેના જોખમોનો સમાવેશ થાય છે.
સ્થાનિક નાણાકીય ક્ષેત્રના સંદર્ભમાં, તેમણે કહ્યું કે ભારતીય બેંકો તણાવની પરિસ્થિતિઓમાં પણ લઘુત્તમ મૂડીની જરૂરિયાતો જાળવી શકશે. દાસે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક વૃદ્ધિનું નવું એન્જિન બનવા માટે તૈયાર છે અને માર્ચ ૨૦૨૪માં સમાપ્ત થતા વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર ૬.૫ ટકા રહેવાની ધારણા છે.