- 12 વર્ષથી રોજ ‘ગરીબ’ બને છે ચાઇનીઝ શખ્સ
- ગરીબીની એક્ટિંગ કરીને કરે છે લાખોની કમાણી
- એશિયન દેશોમાં સૌથી વધુ કમાણી કરતો શખ્સ
દુનિયાભરમાં લોકો પૈસા કમાવવા માટે જુદા જુદા પ્રકારના જુગાડ કરતાં હોય છે. ત્યારે, ઘણીવાર લોકો એવી એવી તરકીબો અજમાવતા હોય છે કે તેના પર વિશ્વાસ કરવો અઘરો થઈ જાય છે. ચીનનો એક શખ્સ જે ભિખારી છે તે છેલ્લા કેટલાય સમયથી ચીનમાં ખાસ્સો ચર્ચામાં આવ્યો છે. આ શખ્સ દર મહિને 70,000 યુઆન એટલે કે અંદાજે 8 લાખ રૂપિયા કમાઈ લે છે. અને તે પણ માત્ર અને માત્ર ભીખ માંગીને. જી હા… વાત તદ્દન સાચી છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ શખ્સ વાસ્તવમાં ભિખારી નહીં એક પ્રોફેશનલ એક્ટર છે.
આ એક્ટર લૂ જિંગાંગ છેલ્લા 12 વર્ષથી એક જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર એક ભિખારીની એવી તે આબેહૂબ એક્ટિંગ કરે છે કે લોકોને તેના ઉપર દયા આવી જાય છે. આ જ રીતે તે લોકોની દયાથી પૈસા કમાઈને જીવન વિતાવી રહ્યો છે. લૂ જિંગાંગને જોઈને તમને લાગશે કે તે વાસ્તવમાં એક ગરીબ ભિખારી છે જે માંડ-માંડ પોતાનું ગુજરાન ચલાવતો હશે. પરંતુ આવું એટલા માટે છે કારણ કે તે વાસ્તવમાં ઘણો જ ટેલેન્ટેડ છે અને પોતાની એક્ટિંગથી કોઈને અંદાજ પણ આવવા નથી દેતો કે ગરીબ ભિખારી નહી પણ એક એક્ટર છે.
પોતાનો ગંદો ચહેરો, ઉદાસ અને નિરાશ આંખો, ચીથરેહાલ કપડાંની સાથે તેણે પ્રવાસીઓને ભોળવી દેવાની મહારત હાંસલ કરી લીધી છે. કથિત ટેલેન્ટેડ એક્ટર દર મહિને 70,000 યુઆન એટલે કે અંદાજિત 4000 અમેરિકન ડોલર અથવા 8 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે સાથે જ લોકો તેને સારું સારું ખાવાનું પણ આપતા જાય છે.
ચીની મીડિયાના અહેવાલ મુજબ, હાલ ચીનમાં સરેરાશ માસિક પગાર લગભગ 29,000 યુઆન એટલે કે 3.33 લાખ રૂપિયા છે, જેથી લૂ જિંગાંગની આવક તેને એશિયન દેશોમાં સૌથી વધુ કમાણી કરતાં લોકોમાં સામેલ કરે છે. હવે સ્થિતિ એવી છે કે ચીનમાં ઘણા લોકો તેને દેશનો સૌથી આમિર ભિખારી કહેવા લાગ્યા છે, જે આમ તો ટેક્નિકલી ખોટું છે કેમ કે તે પ્રોફેશનલ એક્ટર છે જે માત્ર લાભ લેવા માટે ભિખારીની એક્ટિંગ કરે છે.
લૂ જિંગાંગનું કહેવું છે કે તેમણે આ અસામાન્ય કેરિયરનો રસ્તો એટલા માટે પસંદ કર્યો કારણ કે તેને માત્ર એક્ટિંગ કરવું પસંદ છે અને સ્વઘોષિત ભિખારી બનવામાં તેણે કોઈ ઓડિશન પણ આપવું પડતું નથી. શરૂઆતમાં તો તેને પરિવારનો સપોર્ટ ન મળ્યો પરંતુ તેની આવક જોઈને પરિવાર પણ તેણે સપોર્ટ કરવા લાગ્યો.
જેમ જેમ સમય વિતતો ગયો અને લૂ જિંગાંગે પોતાની દૈનિક ભૂમિકા અને પ્રદર્શનમાં મહારત મેળવી લીધી જેને કારણે ઈન્ટરનેટ પર તે તાજેતરમાં સેલિબ્રિટી બની ગયો. તેના કપડાં, અને તેના ગંદા ચહેરા પર ઉદાસ ભાવ અને તેની યાચનાઓ લોકોને તેને મદદ કરવા માટે મજબૂર કરી દે છે.


