૧૧મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ ઓફિસ અને સ્ટેશનો પર યોગાભ્યાસ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ ૧૧મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી મળેલી માર્ગદર્શિકા અનુસાર, ૨૧ જૂનના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી ભાવનગર ડિવિઝનમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલવે સુરક્ષા બળના જવાનોએ સામૂહિક રીતે યોગ સાધનામાં ભાગ લીધો
ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૫ ની થીમ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”છે. પતંજલિ યોગ સમિતિ-ભાવનગરના યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ, ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા સહિત ડિવિઝનલ અધિકારીઓ, કર્મચારીઓ અને રેલવે સુરક્ષા બળના જવાનોએ સામૂહિક રીતે યોગ સાધનામાં ભાગ લીધો હતો.
રોજિંદા જીવનમાં યોગ અપનાવવા માર્ગદર્શન અને અભિનંદન આપ્યા
કોમન યોગ પ્રોટોકોલ હેઠળ દરેકને આસનો, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોમાં તાલીમ આપવામાં આવી હતી. આ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તાડાસન, વજ્રાસન, પવનમુક્તાસન, કપાલભાતી, ધ્યાન, અનુલોમ-વિલોમ વગેરે સુંદર યોગાસનો કર્યા. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે સારા સ્વાસ્થ્ય માટે દરેકને તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવવા માર્ગદર્શન અને અભિનંદન આપ્યા.
અલગ-અલગ યોગાસનો કર્યા
આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વેલફેર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો (જેમ કે ભાવનગર ટર્મિનસ, બોટાદ, વેરાવલ, પોરબંદર, જૂનાગઢ, સિહોર, ભાણવડ, અમરેલી, ઢસા, લાઠી, જેતલસર, ગાંધીગ્રામ વગેરે) પર પણ આવા યોગાસનો કરવામાં આવ્યા હતા.