- ગાઝામાં વીજળી, પાણી અને ઈંધણ બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ
- 24 કલાકની અંદર ગાઝા ખાલી કરવા ઇજરાયેલનો આદેશ
- યુદ્ધના કારણે 3,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
હમાસ અને ઇજરાયેલ યુદ્ધ વચ્ચે ગાઝામાં વીજળી, પાણી અને ઈંધણના સપ્લાય બાદ ઈઝરાયેલે હવે ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ઈઝરાયેલના સંચાર મંત્રીએ ગાઝામાં તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે.
ગાઝામાં વીજળી, પાણી અને ઈંધણ બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ
શુક્રવારે ઈઝરાયેલી સેનાએ ગાઝા શહેરમાં રહેતા લગભગ 10 લાખ લોકોને ત્યાંથી ચાલ્યા જવાની સૂચના આપી હતી. આ સૂચના બાદ આ વિસ્તારમાં ઈઝરાયેલ દ્વારા ગ્રાઉન્ડ એક્શનની શક્યતા વધી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે આટલી મોટી સંખ્યામાં લોકોનો જીવ બચાવવા ભાગવું ઘાતક સાબિત થઈ શકે છે, જ્યારે હમાસે ઈઝરાયેલી સેનાની આ સૂચનાને ફગાવી દીધી છે અને લોકોને તેમના ઘરમાં રહેવા કહ્યું છે.
યુદ્ધના કારણે 3,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
આજે યુદ્ધનો સાતમો દિવસ છે. ગાઝામાં રહેતા નાગરિકોને ઇઝરાયેલે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ યુદ્ધના ભણકાર તો બીજી બાજુ અન્ન-પાણી, વીજળી અને આરોગ્યલક્ષી સમસ્યા સામે હવે લોકો હાલાકી ભોગવી રહ્યો છે. ગાઝા શહેરમાં પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટના પ્રવક્તા નેબલ ફરસાખે જણાવ્યું હતું કે, આ એવી ક્ષણ છે જે ચિંતાના વાદળો ઘેરવા માટે મજબૂર કરી રહ્યા છે. યુદ્ધ પહેલાથી જ બંને બાજુના 3,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર પ્રદેશમાં માતમ છવાયો છે. તાજેતરમાં, ઇઝરાયેલે લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ પર પણ હવાઈ હુમલા કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ત્રિપાખયો જંગ થવાની શક્યતા ઊભી થઈ છે.
હમાસ હજુ પણ ઇઝરાયેલ સામે લડી લેવાના મૂડમાં
પવિત્ર અલ-અક્સા મસ્જિદની દેખરેખ રાખતી ઇસ્લામિક સંસ્થાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી સત્તાવાળાઓ 50 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોને પ્રવેશની મંજૂરી આપતા નથી. સપ્તાહના અંતે થયેલા હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝા પર વારંવાર બોમ્બમારો કરી રહ્યું છે. હમાસના લડવૈયાઓએ દેશના દક્ષિણી પ્રદેશ પર હુમલો કર્યો હજારો લોકોની હત્યાને અંજામ આપ્યો છે. તો આ બાજુ મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપતાં બાળકો અને યુવાનોને પણ મોતને ઘાટ ઉતાર્યા છે. હમાસ 150 લોકોનું અપહરણ કરીને ગાઝા લઈ ગયું છે. હમાસે કહ્યું કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના ભારે બોમ્બમારામાં વિદેશીઓ સહિત 13 બંધકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. હમાસની સૈન્ય શાખાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ 13 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, ઇઝરાયેલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ હવાઈ હુમલામાં બંધકોના માર્યા ગયાના સમાચારને નકારી કાઢ્યા છે અને ‘અલ જઝીરા અરેબિક’ને કહ્યું છે કે, અમારી પાસે અમારી પોતાની માહિતી છે અને અમે હમાસના જુઠ્ઠાણા પર વિશ્વાસ કરતા નથી.
24 કલાકની અંદર ગાઝા ખાલી કરવા આદેશ
ઉત્તર ગાઝાના લોકોને દક્ષિણ તરફ જવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેનાથી 11 લાખ લોકો પ્રભાવિત થશે. ઈઝરાયેલે આરોપ લગાવ્યો છે કે હમાસના આતંકી ગાઝા શહેરમાં સુરંગોમાં છુપાયેલા છે. UNના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર માને છે કે માનવતાવાદી દુર્ઘટના વિના આવા ઓપરેશન હાથ ધરવા અસંભવ છે. ઇઝરાયલે 24 કલાકની અંદર ગાઝાના નાગરિકોને સ્થળાંતરનો આદેશ આપ્યો છે. તો તેના વિરૂદ્ધમાં હમાસે પેલેસ્ટિનિયનોને તેમના ઘરોમાં રહેવા માટે ઇઝરાયેલના આદેશને નકારી કાઢ્યો છે. હજૂ પણ હમાસ પોતાના આતંકી પર વધુ વિશ્વાસ રાખી રહ્યું છે પરંતુ સામે ઇઝરાયેલ નાગરિકોના લોહીનો બદલો લેવા ભૂખ્યા સિંહની જેમ યુદ્ધ મેદાનમાં ઉતર્યું છે.