- કોન્ટ્રાક્ટર કંપનીના ધાંધિયામાં સાડા 3 વર્ષ વીત્યાં, હજી બીજા બે વર્ષ લાગશે
- ચાર લોકેશન પૈકી સૂત્રાપાડામાં હજી વધુ ઢીલની વકી
- કેપ્ટિવ પાવર પ્લાન્ટમાં પોલિસી ચેન્જનું હાથવગું બહાનું કઢાયું
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર દરિયાનું પાણી પીવાલાયક બનાવવા માટે પ્રતિદિન કુલ 2,700 લાખ લિટર સ્થાપિત ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટ્સ લગાવવા પીપીપી ધોરણે હાથ ધરેલી યોજનામાં અતિશય વિલંબ થઈ રહ્યો છે. શાપૂરજી પાલોનજી તથા એક્વાટેક એશિયાના કોન્સોર્શિયમને સોંપાયેલા આ પ્રોજેક્ટમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમય વિત્યો છે અને પ્રોજેક્ટ્સ કાર્યરત થવામાં હજી બીજાં બે વર્ષ નીકળી જાય તેમ છે. ચાર પૈકી સૂત્રાપાડાના લોકેશન ઉપરનો પ્રોજેક્ટ હજીયે અટવાયેલો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી-2020ના અરસામાં વર્કઓર્ડર અપાયા પછી શરતો મુજબ બધી મંજૂરીઓ મેળવી કોન્ટ્રાક્ટર કંપનીએ ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ્સ શરૂ કરવાના હતા પરંતુ પર્યાવરણીય અસરોનો અભ્યાસ રિપોર્ટ તૈયાર કરી સીઆરઝેડ ક્લિયરન્સ તથા પર્યાવરણીય મંજૂરી મેળવવામાં સદર એસપીવીને ખૂબ મોડું થયું છે. કેપ્ટિવ પાવર પ્લાન્ટમાં પોલિસી ચેન્જનું હાથવગું બહાનું કઢાયું છે. કહે છે કે, ફાઇનલ ક્લોઝર પણ હજી હમણાં ત્રણ મહિના પહેલાં સિદ્ધ થઈ શક્યું છે. એસપીવીને નાણાસ્ત્રોત ઊભા કરવામાં પણ આંખે પાણી આવી ગયા છે, જો કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા લોન મંજૂર કરી પ્રથમ હપતો હજી હમણાં ચૂકવાયો હોવાનું કહેવાય છે. આને પરિણામે જે પ્લાન્ટ્સ 2023માં કાર્યરત થવાના હતા, તેનું મુહૂર્ત હવે 2025 ઉપર ઠેલાઈ ગયું છે.
સૂત્રો એવું કહે છે કે, સૂત્રાપાડા ખાતે સૌથી નાની સાઈઝનો 30 એમએલડીનો ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવાનો છે, પણ સ્થાનિક લોકોના વિરોધને કારણે પ્રોજેક્ટ વધુ ઢીલમાં પડયો છે. બીજાં ત્રણ પ્રોજેક્ટ્સમાં દ્વારકા અને ઘોઘા ખાતે 70-70 એમએલડીના બે પ્લાન્ટ તથા સૌથી વધુ ક્ષમતાનો 100 એમએલડીનો પ્લાન્ટ માંડવી ખાતે સાકાર કરવાનું નક્કી થયું છે.
આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર એસપીવી સાથે થયેલા કન્સેશનલ એગ્રીમેન્ટ મુજબ પ્રતિ એમએલડીએ સ્થાપના પાછળ થનારા અંદાજિત 8 કરોડના ખર્ચમાં રાજ્ય સરકાર 50 ટકા એટલે કે 4 કરોડ તબક્કાવાર ચુકવણી કરશે, ઉપરાંત જમીન ફાળવશે, જો કે હજી રાજ્ય તરફથી ચુકવણું શરૂ થયું નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે.


