જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
ઉપલેટાના શખ્સને પોણા બે કિલો ગાંજા સાથે ભક્તિનગર પોલીસે દબોચ્યો, સપ્લાય નેટવર્ક અંગે તપાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી પોલીસની ઝુંબેશ હેઠળ વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરાઈ છે. ભક્તિનગર પોલીસ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં દરોડો પાડી ઉપલેટાના એક યુવાનને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ હવે આ ગાંજો ક્યાં અને કોને સપ્લાય થવાનો હતો તે અંગે સઘન તપાસ કરી રહી છે.
માહિતી મુજબ, પોલીસને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર વિસ્તારના આર.એમ.સી. ક્વાર્ટર બ્લોક નં. 9 અને 14 નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એક શંકાસ્પદ શખ્સને અટકાવી તપાસ કરતાં તેની પાસે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તરત જ તેને કાબૂમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીની ઓળખ મુસ્તકીમ શોકત બુખારી (ઉંમર 21, રહે. ઉપલેટા) તરીકે થઈ છે. તેની પાસેથી કુલ 1.732 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે રૂપિયા 87,270 જેટલી ગણવામાં આવી રહી છે. પોલીસે આ જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ગાંજાનો જથ્થો શહેરમાં સપ્લાય કરવા લાવ્યો હતો. હાલ પોલીસે તેના સંપર્કો અને નેટવર્ક વિશે માહિતી મેળવવા પૂછપરછ તેજ કરી છે, જેથી આ સમગ્ર રેકેટ સુધી પહોંચી શકાય.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ હાલમાં નશા વિરોધી “Say No To Drugs” અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનમાં ખાસ એનડીપીએસ સેલ બનાવી ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કામગીરી એડીશનલ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા અને ડીસીપી હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં હાથ ધરાઈ હતી. જેમાં પીએસઆઇ જે.જે. ગોહીલ, એએસઆઇ નિલેશ મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
પોલીસ રેકોર્ડ મુજબ, પકડાયેલ મુસ્તકીમ બુખારી વિરુદ્ધ અગાઉ પણ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં દારૂના બે ગુનાઓ નોંધાયેલા છે. જેના આધારે પોલીસ હવે તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ તેમજ નશાના વેપાર સાથેના તેના જોડાણોની પણ તપાસ કરી રહી છે.


