૪૦ ફાઇલ ઉપરાંત મળેલી ૫૮ મેજરમેન્ટ બુક ઉપર કરાશે તપાસ કેન્દ્રિત
અલ્પના મિત્રાના ઘરે સહી કરવા ફાઇલ મોકલનાર તમામ ૯ ઇજનેરોના ક્રોસ નિવેદન લેવાનું શરૂ
રાજકોટ મહાનગરપાલિકામાંથી હજુ ગત અઠવાડિયે જ સ્વૈચ્છિક નિવૃત થનાર પૂર્વ એડી.સિટી ઇજનેર અલ્પના મિત્રાના ફાઇલકાંડમાં જેના નામ ખુલ્યા છે એ તમામ નવ ઇજનેરોના ક્રોસ નિવેદન લેવાનું શરૂ થશે. ગઇકાલે આ ઘટનાનો અત-થી-ઇતિ સુધીના ઘટનાક્રમનો રિપોર્ટ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ સમક્ષ સબમીટ કરી દેવામા આવ્યો છે. આ ઘટનાની તપાસ માટે વીજીલન્સ બ્રાન્ચનો હવાલો સંભાળતા અધિકારી કાથરોટિયા ઉપરાંત સિટી ઇજનેર પરેશ અઢિયાની નિયુક્તિ કરવામા આવી છે. દસ દિવસોમાં તપાસ રિપોર્ટ આપવા કમિશનરે આદેશ કર્યો છે.
ટાઉન પ્લાનીંગ શાખામાં એક સામાન્ય ઇજનેરથી કારર્કિદી શરૂ કરી સિટી ઇજનેરના મલાઇદાર હોદા સુધી પહોંચેલા અલ્પના મિત્રા ભુતકાળમાં અનેક વખત વિવાદમાં આવી ગયા છે. નિવૃતિ પછી પણ વિવાદ કેડો મુકતો નથી. આ વખતે એવા વિવાદમાં આવી ગયા છે કે, બરોબરના ફસાઇ ચુક્યા છે.
અલ્પના મિત્રા પાસે બાંધકામ, વોટર વકર્સ, ડ્રેનેજ સહિત મલાઇદાર કહી શકાય તેવી પાંચ બ્રાન્ચ હતી. કરોડો રૂપિયાના કામ તેમના હાથ નીચે થતા હતા. નિવૃતિ પછી જુના કામની બીલીંગ ફાઇલો શા માટે મગાવી? એ સવાલ પાછળ એવી સ્પષ્ટ આશંકા જાય છે કે, કોન્ટ્રાક્ટરો સાથે તેની સીધી સાંઠગાંઠ હોવી જોઇએ. વાસ્તવલક્ષી કામથી વધારાનુ કામ દેખાડીને લાખો રૂપિયાના બોગસ બીલ બનતા હોય અને તેમાથી ચોક્કસ ટકાવારી મુજબ ટેબલ નીચેના વહીવટને અંજામ આપવા માટે જ જુની ફાઇલો સહી કરવા મગાવી હોવાની શંકા પ્રબળ બની રહી છે.
દરમિયાન ગઇકાલે સાંજે વીજીલન્સ અધિકારી કાથરોટિયાએ જે દિવસે ફાઇલોના પોટલા મળ્યા તે ઘટનાક્રમનો અત-થી-ઇતિ સુધીનો લેખિત રિપોર્ટ તૈયાર કરીને મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ સમક્ષ સબમીટ કરી દીધો છે. જેના અધારે કમિશનર સતાવાર રીતે તપાસનો હુકમ જારી કર્યો છે. તપાસના હુકમમાં જે નવ ઇજનેરોએ અલ્પના મિત્રાને ફાઇલો પહોંચાડી હતી એ તમામને વ્યક્તિગત બોલાવીને ક્રોસ નિવેદન રેકર્ડ પણ લેવા સુચના આપવામા આવી છે.
મેજરમેન્ટ બુક ભ્રષ્ટ ચીઠ્ઠા ખોલશે
અલ્પના મિત્રાના ઘરેથી ૪૦ સંદિગ્ધ ફાઇલ ઉપરાંત ૫૮ મેજરમેન્ટ બુક અને ૬ એમ.બી.બુક મળી આવી છે. મેજરમેન્ટ બુકમાં હકિકતમાં ન થયેલા કામ દેખાડીને એ મુજબ લાખો રૂપિયાના બોગસ બીલ બનાવવા માટેની જ હરકત હોવાનું માનવામા આવે છે. મેજરમેન્ટ બુક અને તેમા દર્શાવેલા કામનું ક્રોસ ચેકીંગ થાય તો બોગસ બીલીંગનું એક મોટુ કૌભાંડ ખુલે તો નવાઇ નહીં. આ તો ૪૦ ફાઇલ અને ૫૮ મેજરમેન્ટ બુક રંગેહાથ પકડાઇ. અત્યાર સુધીમાં આવી કેટલી ફાઇલોમાં અલ્પના મિત્રાએ સહી કરી હશે તે પણ એક તપાસ માગી લે છે.
ભુતકાળમાં નડવાનું ભારે પડ્યુ, દશ્મનોએ ટાંણે દાવ કાઢી લીધો
અલ્પના મિત્રાની છાપ આમેય પહેલેથી એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકેની છે. મનપામાં સિટી ઇજનેરની મલાઇદાર પોસ્ટ મેળવવા માટે તેમણે અનેકના માથે પગ મુકીને આ પોસ્ટ સુધી પહોંચ્યા છે એ મનપાના કર્મચારી વર્તુળોમાં સૌ કોઇ જાણે જ છે. અગાઉ મ્યુનિ.કમિશનરના ટેકનીકલ બ્રાન્ચમાં ફરજ દરમિયાન અલ્પના મિત્રા જેમને નડ્યા હતા એ આમાના જ એક ચોક્કસ અધિકારીએ ટાંણે અલ્પના મિત્રાનો દાવ કાઢી લીધો હોવાનું જાણવા મળે છે. આ અધિકારીને એવી માહિતી મળી હતી કે અલ્પના મિત્રાના ઘરે જુની ફાઇલો સહી કરવા મોકલાઇ રહી છે અને આ માહિતી આ ચોક્કસ અધિકારીએ લીક કરતા અલ્પના મિત્રાનો આ ભાંડાફોડ કર્યો હોવાનું જાણવા મળે છે.
આ નવ ઇજનેરોને અલ્પના મિત્રા સાથે એવી તો કઇ વફાદારી?
અલ્પના મિત્રાના ઘરે જુની તારીખની ફાઇલો સહી કરવા મોકલવામા બાંધકામ, વોટર વકર્સ અને ડ્રેનેજ બ્રાન્ચના ઇજનેરો કપિલ જોશી, દિવ્યેશ ત્રિવેદી, વી.એચ.ઉમટ, એચ.એમ.ખખ્ખર, રાજેશ રાઠોડ, અશ્વિન કણજારિયા, હિરેનસિંહ જાડેજા, દેવરાજ મોરી, અંકિત તળાવિયાના નામ ખુલ્યાં છે. આ તમામ નવ ઇજનેરોને અલ્પના મિત્રા સાથે એવી તો કઇ વફાદારી કે નિવૃતિ પછી પણ માત્ર આદેશથી ફાઇલો મોકલાવી દીધો? તમામ નવ ઇજનેરોની ઉલટ તપાસ થાય તો અનેક ઘટસ્ફોટ થઇ શકે તેમા શંકાને કોઇ સ્થાન નથી.
અલ્પના મિત્રાના નિવાસસ્થાન આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવાશે
અલ્પના મિત્રાના ઘરે આવેલી કાર, તેમા રખાયેલા ફાઇલના પોટલા, ફાઇલ મુકવા આવનાર કોણ-કોણ હતુ? એ સહિતના ઓનપેપર પુરાવા મેળવવા માટે અલ્પના મિત્રાના નિવાસસ્થાન આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવાશે તેમ તપાસનીશ અધિકારી કાથરોટિયાએ જણાવ્યુ હતુ.