- ગોસળના સીમ રસ્તે ઝેરી કેમિકલ ઠાલવવાનું કરતૂત
- GPCBની ટીમે સ્થળ પરથી કેમિકલના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલ્યા
- કેમિકલનો નિકાલ ન કરાતા જોખમી સ્થિતિ યથાવત્
સાયલા તાલુકાના ગોસળ થી સેજકપર જવાના રસ્તે બુધવારની મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સો ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવી ને નાસી છૂટયા બાદ ગામમાં જાણ થતા લોકોમાં દુર્ગંધ યુક્ત કેમિકલ બાબતે ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
આ બાબત ને છે દિવસ જેટલો સમયગાળો વીતવા છતાં તંત્ર ના એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી ના ડોકાતા સ્થાનિકો માં તંત્ર સામે આક્રોશ ફેલાયો હતો. આટલી મોટી ગંભીર બાબત હોવા છતાં સ્થાનિક પોલીસ સિવાય કોઇએ સ્થળ મુલાકાત લીધી નહોતી જ્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સુરેન્દ્રનગર રહી રહી ને જાગ્યું હોય તેમ એક ટીમ ગોસળ પહોંચી હતી અને કેમિકલના નમુના એકત્ર કર્યા હતા.
ગોસળ ગામની સીમમાં આવેલા રસ્તા પર ઘટના ના સાત દિવસ વીત્યા છતાં હાલ સુધી આ ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી ભરેલું ટેન્કર ઠાલવી જવાનું કારસ્તાન કરનારા આરોપીઓ તંત્ર ની પક્કડ થી દુર છે ત્યારે મંગળવારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની ટીમના કર્મીઓ દ્વારા સ્થળ મુલાકાત લઇ કેમિકલ ના નમુના લેવાયા હતા.પ્રદુષણ નિયંત્રણ વિભાગ સુરેન્દ્રનગર થી આવેલા દશરથભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ નમુના લેબોરેટરી માં મોકલી તેનો રિપોર્ટ આવ્યા બાદ ક્યાં પ્રકારનું રસાયણ છે તે જાણી શકાશે તેમજ લેબ રિપોર્ટ આવ્યા બાદ અમારા ઉપરી અધિકારી ની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે.હાલ ના તબક્કે જો વરસાદ આવે તો કેમિકલ તેમજ પાણી ભેગુ થઇ વોકળા વાટે તળાવમાં ભળતાં માનવ તેમજ પશુધન ને નુકશાન પહોંચાડી શકે તેમ છે ત્યારે તંત્ર આ કેમિકલ યુક્ત પ્રવાહી ત્યાંથી સત્વરે દૂર કરે તેવી ગામલોકોની માંગણી છે.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ફલ્ગુનભાઈ મોદી સાથે ટેલીફેનીક વાતચીતમાં તેમના જણાવ્યા અનુસાર આ વિશે સોમવારે જ સોશિયલ મીડિયા દ્વારા જાણ થતાં મંગળવારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું રટણ કરાઇ રહ્યું છે.
ત્યારે સરપંચ રામકુભાઇ ખાચરના જણાવ્યા મુજબ હાલ સુધીમાં પોલીસ તથા પ્રદુષણ બોર્ડની ટીમ સિવાય સ્થાનિક પ્રશાસનના કોઇ અન્ય અધિકારી અહીં આવ્યા નથી. જનઆરોગ્ય સાથે સંકળાયેલ આવી ગંભીર બાબત પ્રત્યે પણ સ્થાનિક કે જિલ્લાના સરકારી બાબુઓ આ બાબતથી અજાણ છે કે જાણવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. તેવો સવાલ પણ આક્રોશયુક્ત લોકમાનસમાં ઉઠી રહ્યો છે.


