5થી 7 ટકા વળતરની લાલચ આપી નાણાનું રોકાણ કરાવ્યું ; વિશ્વાસ જીતવા શરૂઆતમાં જ રકમ પરત આપી બાદમાં ધુમ્બા માર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં રોકાણના નામે મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવાન સહિત અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી બાદમાં વળતર અને મૂડી પરત ન આપતાં આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. સમગ્ર મામલાએ રોકાણકારોમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી વિગતો મુજબ, શહેરના મવડી વિસ્તારમાં રહેતા એક દંપતિ અને તેમના પુત્રએ ફરિયાદી વિરેન્દ્રસિંહ પરમાર તથા અન્ય લોકોને દુબઈ સ્થિત એક કંપનીમાં રોકાણ કરવાનું કહી 5થી 7 ટકા જેટલું આકર્ષક વળતર આપવાની લાલચ આપી હતી. આરોપીઓએ પોતાનું સંચાલન “M SHA Investment Consultants-FZCO” નામની કંપની દ્વારા ચાલે છે તેવી વાત કહી રોકાણકારોમાં વિશ્વાસ જગાવ્યો હતો.
ફરિયાદ મુજબ, 29 ઓગસ્ટ 2024 થી 1 ઓક્ટોબર 2025 દરમ્યાન આરોપીઓએ ફરિયાદી અને અન્ય લોકો પાસેથી કુલ મળીને અંદાજે રૂ.1.74 કરોડ જેટલી રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટ મારફતે મેળવી હતી. આરંભમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ રૂ.26.77 લાખ જેટલી રકમ વળતર તરીકે પરત પણ આપી હતી. જેના કારણે વધુ રોકાણકારો પણ આ યોજનામાં જોડાયા હતા. પરંતુ ત્યારબાદ આરોપીઓએ વળતર આપવાનું બંધ કરી દીધું અને મૂળ મૂડી પણ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે વિરેન્દ્રસિંહ પરમારે શહેરના આલાપ ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા સાગરભાઈ ખુંટ, તેમના પિતા અરવિંદભાઈ ખુંટ અને માતા જ્યોત્સનાબેન ખુંટ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(5), 3(5) તેમજ ગુજરાત નાણાકીય સંસ્થાઓમાં થાપણદારોના હિતના રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હાલમાં આરોપીઓના બેંક વ્યવહારો, રોકાણની હકીકત અને અન્ય સંડોવાયેલા લોકો અંગે માહિતી એકત્રિત કરી રહી છે. સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઊંચા વળતરની લાલચ આપતી રોકાણ યોજનાઓ પ્રત્યે સાવચેત રહેવું જરૂરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના રોકાણ કરતા પહેલાં યોગ્ય તપાસ અને સત્તાવાર દસ્તાવેજોની ખાતરી જરૂર કરવી.


