– રોકાણના પ્રવાહ ઉપરાંત, ગોલ્ડ ઈટીએફના એસેટ બેઝમાં પણ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ઘટાડો
Updated: Oct 22nd, 2023
મુંબઈ : ગોલ્ડ ઇટીએફ (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં રોકાણ સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૧૭૫ કરોડ થયું હતું. જે તેની અગાઉના ઓગસ્ટ મહિનામાં તે ૧૭ મહિનાના ઉચ્ચ સ્તરે રૂ. ૧,૦૨૮ કરોડ હતું. એક ગોલ્ડ ઈટીએફ યુનિટ એક ગ્રામ સોનાની બરાબર છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર, રોકાણના પ્રવાહ ઉપરાંત, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)ના એસેટ બેઝમાં પણ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ઘટાડો થયો હતો.યુએસમાં વ્યાજ દરો સતત વધી રહ્યા છે, ફુગાવો હજુ પણ અપેક્ષા કરતા વધારે છે અને વૃદ્ધિ ધીમી પડી રહી છે. સોનામાં રોકાણ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે અને ફુગાવાના જોખમો સામે ચાલુ રહેવાની અપેક્ષા છે.
ડેટા અનુસાર, ગયા મહિને ગોલ્ડ-લિંક્ડ ઈટીએફમાં રૂ. ૧૭૫.૩ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં તે રૂ. ૧,૦૨૮ કરોડ હતું. જયારે જુલાઈમાં ૪૫૬ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. અગાઉ, ગોલ્ડ ઇટીએફમાં સતત ત્રણ ત્રિમાસિક ગાળાના વેચાણ બાદ એપ્રિલ-જૂન સમયગાળામાં રૂ. ૨૯૮ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું.
માર્ચ ક્વાર્ટરમાં આ કેટેગરીમાંથી રૂ. ૧,૨૪૩ કરોડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૩૨૦ કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૧૬૫ કરોડનો ઉપાડ થયો હતો.
ગોલ્ડ ઇટીએફમાં એપ્રિલ ૨૦૨૨ પછી ઓગસ્ટ ૨૦૨૩માં સૌથી વધુ માસિક પ્રવાહ જોવા મળ્યો હતો. એપ્રિલ ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ કેટેગરીમાં ૧,૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.