– દેશના અર્થતંત્રમાં પ્રવર્તતી મજબૂતાઈને પરિણામે પી-નોટસ રોકાણમાં જોવાઇ રહેલો સતત વધારો
Updated: Oct 27th, 2023
મુંબઈ : ભારતીય મૂડી બજારમાં પાર્ટિસિપેટરી નોટસ (પી-નોટસ) મારફતનું ઈન્વેસ્ટમેન્ટસ સપ્ટેમ્બરના અંતે વધી રૂપિયા ૧.૩૩ ટ્રિલિયન સાથે છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.
સપ્ટેમ્બરમાં સતત સાતમા મહિને પી-નોટસ મારફતના રોકાણમાં વધારો જોવા મળ્યો હતો. મજબૂત બૃહદઆર્થિક ફન્ડામેન્ટલ્સને કારણે ભારતીય મૂડી બજારમાં પી-નોટસ રોકાણમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
જુલાઈ, ૨૦૧૭ બાદ પી-નોટસ મારફતનો રોકાણ આંક સૌથી ઊંચો જોવા મળ્યો છે. જુલાઈ, ૨૦૧૭ના અંતે પી-નોટસ મારફતનો રોકાણ આંક રૂપિયા ૧.૩૫ ટ્રિલિયન રહ્યો હતો એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે.ઓગસ્ટના અંતે રૂપિયા ૧,૨૮,૨૪૯ કરોડની સરખામણીએ સપ્ટેમ્બરના અંતે પી-નોટસ મારફતનું રોકાણ વધી રૂપિયા ૧,૩૩,૨૮૪ કરોડ રહ્યું હતું.
ભારતીય મૂડી બજારમાં સહભાગી બનવા માગતા વિદેશી રોકાણકારો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ) મારફત ભારતમાં ઈક્વિટીઝ, ઋણ સાધનો તથા હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે. જેની સામે એફપીઆઈસ તેમને પી-નોટસ જારી કરે છે. દેશમાં પી-નોટસ મારફતના રોકાણનો પ્રવાહ સામાન્ય રીતે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહની દિશા પ્રમાણે રહે છે.
વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં સ્થિરતા જળવાઈ રહી હોવાને કારણે દેશમાં પી-નોટસ રોકાણમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
વિશ્વમાં ભારત હાલમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ઈક્વિટીઝ માર્કેટમાં પણ છેલ્લા કેટલાક સત્રને બાદ કરતા પ્રમાણમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર અંત સુધીમાં પી-નોટસ મારફત રૂપિયા ૧.૩૩ લાખ કરોડના કુલ રોકાણમાંથી રૂપિયા ૧.૨૨ લાખ કરોડ ઈક્વિટીઝ, રૂપિયા ૧૦,૬૮૮ કરોડ ઋણ સાધનોમાં તથા રૂપિયા ૩૮૯ કરોડ હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં રોકવામાં આવ્યા હોવાનું સેબીના આંકડા જણાવે છે.
આ ઉપરાંત, એફપીઆઈસની કસ્ટડી હેઠળની એસેટસનો આંક પણ સપ્ટેમ્બરના અંતે રૂપિયા ૫૮.૪૫ ટ્રિલિયન રહ્યો હતો જે ઓગસ્ટના અંતે રૂપિયા ૫૭.૬૩ ટ્રિલિયન હતો.


