- લાઇસન્સ બીજાને કમિશનથી આપીને યૂઝ ટાયરની આયાત કરતી ગેંગની સંડોવણી
- ઓઇલના કન્ટેનરોના ક્લિયરન્સ અટકાવી દેવાયાં, સીએચએ સહિત અનેકની સંડોવણી
- ઓઇલના કન્ટેનરમાં સિગારેટ અને સોપારીની આયાત થઈ રહી છે
મુન્દ્રા પોર્ટ પર આયાતી કન્ટેનરમાં બેઝ ઓઇલ ડિકલેર કરીને સોપારી આયાત કરવાના કૌભાંડમાં મોટાં માથાઓની સંડોવણી બહાર આવી છે. કેટલાક સીએચએ દ્વારા તેમના લાઇસન્સનો પણ દુરુપયોગ કરાઈ છે. બીજાના લાઇસન્સ કમિશનની લાલાચ આપી રહ્યા છે. દિલ્હી અને મુંબઈની ગેંગના લોકો લાઇસન્સ મેળવીને મિસડિકલેર કરીને કસ્ટમની ચોરી પણ કરી રહ્યા છે. ડીઆરઆઇની ટીમે અગાઉ વડોદરાના જિતુ પટેલની ધરપકડ પણ કરી હતી. બેઝ ઓઇલના નામે સોપારીની આયાત કરાતા હાલ મુન્દ્રા સહિત અનેક પોર્ટ પર આયાતી ઓઇલના અનેક કન્ટેનરો રોકી દેવાયા છે. ડીઆરઆઇની આશંકા છે કે, ઓઇલના કન્ટેનરમાં સિગારેટ અને સોપારીની આયાત થઈ રહી છે.
ગત સપ્તાહમાં મુન્દ્રા પોર્ટ પર દુબઈથી આવેલા 25 જેટલા કન્ટેનરોમાંથી સોપારીનો જ્થ્થો ડીઆરઆઇને મળ્યો હતો. ડીઆરઆઇને બાતમી મળી હતી કે, દુબઈથી આવી રહેલા કન્ટનરોમાં સોપારી આવી રહી છે, જેના આધારે અમદાવાદ ડીઆરઆઇની ટીમ મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગઈ હતી અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ હતું. કન્ટેનરોમાં બેઝ ઓઇલ આવી રહ્યું છે તેવું કસ્ટમ સમક્ષ ડિકલેર કરાયું હતું. હકીકતમાં સોપારી કન્ટેનરમાં મૂકવામા આવી હતી. કસ્ટમ ડયુટીની ચોરી કરવા માટે બેઝ ઓઇલ ડિકલેર કરાયું હતું.
સોપારીનો જથ્થો વિદેશના અન્ય કોઈ દેશમાંથી દુબઈ મગાવવામા આવ્યો હતો ત્યારે દુબઇથી બેઝ ઓઇલ મુન્દ્રા આવે છે તેવું બતાવીને સોપારીનો જથ્થો ભરી દેવાયો હતો. ડીઆરઆઇની તપાસમાં એવી માહિતી બહાર આવી કે, કન્ટેનરમાં 738 ડ્રમ હતા જે પૈકી 658 ડ્રમમાં સોપારી છુપાવવામાં આવી હતી. 83.352 મેટ્રિક ટન સોપારી હતી. જ્યારે 14.383 મેટ્રીક ટન બેઝ ઓઇલ હતુ જેની કિમંત 6 .17 લાખ થાય છે. કસ્ટમ વિભાગને એવુ લાગે કે દુબઇથી આવેલા કન્ટેનરમાં બેઝ ઓઇલ છે. સોપારી ઉપર કસ્ટમની 110 ટકા હેવી ડયુટી હોવાથી કસ્ટમ ડયુટીની ચોરી કરનારી ગેંગ નિતનવા નુસખા અજમાવી રહી છે.


