ગુજરાત ટાઈટન્સને રાજસ્થાન રોયલ્સ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. સ્કોરબોર્ડ પર 209 રન લગાવવા છતાં, ગુજરાતના બોલરો આ મોટા લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે બેટિંગ દ્વારા 84 રનની શાનદાર ઇનિંગ રમી.
પરંતુ શુભમન ગિલ બેટિંગ કરતી વખતે પીઠની સમસ્યાથી પીડાતો જોવા મળ્યો હતો. ગિલ બીજી ઈનિંગમાં કેપ્ટનશીપ અને ફિલ્ડિંગ સંભાળવા માટે મેદાન પર પણ આવ્યો ન હતો. ગિલની ગેરહાજરીમાં, રાશિદ ખાન મેદાન પર કેપ્ટનશીપ સંભાળતો જોવા મળ્યો. શુભમને પોતે પોતાની ઈજા અંગે અપડેટ આપ્યું છે.
ગિલે ફિટનેસ અંગે આપ્યું અપડેટ
રાજસ્થાન સામેની હાર બાદ શુભમન ગિલે પોતાની ઈજા અંગે અપડેટ આપ્યું. બીજી ઈનિંગમાં મેદાન પર ન આવવા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગિલે કહ્યું કે “બેટિંગ કરતી વખતે મને મારી પીઠમાં થોડી અસ્થિરતાનો અનુભવ થઈ રહ્યો હતો અને અમારે આગામી થોડા દિવસોમાં આગામી મેચ રમવાની છે.
તેથી જ ફિઝિયો કોઈ જોખમ લેવા માંગતા ન હતા.” ગિલે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પોતાના બેટથી ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી. ગુજરાતના કેપ્ટને 50 બોલનો સામનો કરીને 84 રન બનાવ્યા. ગિલે પોતાની ઈનિંગ દરમિયાન 168 ના સ્ટ્રાઈક રેટથી રમ્યો અને 5 ચોગ્ગા અને 4 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.
હાર છતાં મજબૂત સ્થિતિમાં છે ગુજરાત
રાજસ્થાન રોયલ્સ સામેની હાર છતાં ગુજરાત ટાઈટન્સ IPL 2025 પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે. ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે, જેમાંથી ટીમે 6 મેચ જીતી છે. ટીમને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્લેઓફમાં ટિકિટ બુક કરાવવા માટે, ગિલની સેનાએ બાકીની પાંચ મેચોમાંથી ઓછામાં ઓછી ત્રણ જીતવી પડશે. ગુજરાતના હાલમાં 12 પોઈન્ટ છે અને ત્રણ મેચ જીતીને, ટીમ 18 પોઈન્ટ સાથે ક્વોલિફાયર ફોર પ્રવેશ મેળવશે.