- IPL 2024ની તૈયારી શરૂ કરવામાં આવી
- 19 ડિસેમ્બરે દુબઈમાં થશે ઓક્શન
- આ વખતે ઓક્શનરમા ંજોવા મળશે નવો ચહેરો
IPL 2024ના ઓક્શનમાં હવે વધુ સમય બચ્યો નથી. 2 અઠવાડિયા બાદ એટલે કે, 19 ડિસેમ્બરે આગામી સિઝન માટે મિની ઓક્શન રાખવામાં આવ્યું છે. દુબઈમાં થનારા આ ઓક્શન માટે ઓક્શનરની જવાબદારી કોની પાસે હશે, તે હજુ સ્પષ્ટ થયું નથી.
2018થી નિભાવે છે ઓક્શનરની જવાબદારી
વર્ષ 2018થી IPL ઓક્શનમાં હ્યૂઝ એડમિડ્સ ઓક્શનર રહ્યા છે. એક સમયે ચારૂ શર્માએ પણ આ જવાબદારી નિભાવી હતી. IPL 2022ના મેગા ઓક્શન સમયે હ્યૂઝ એડમિડ્સની તબિયત લથડી હતી અને તે સ્ટેજ પર ઢળી પડ્યો હતો. જે બાદ BCCIએ ચારૂ શર્માને બોલાવી હતી. જો કે, IPL 2023 પહેલાં થયેલા મિની ઓક્શનમાં ફરી હ્યૂઝ એડમિડ્સ પાસે જ બોલી લગાવી હતી, પરંતુ આ વખતે BCCI નવા ચહેરાને જવાબદારી આપવા જઈ રહ્યું છે.
BCCI કરી રહ્યું છે નવા ચહેરાની શોધ
મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો, BCCIએ આ રોલ માટે નવા ચહેરાની પસંદગી પણ કરી લીધી છે, પરંતુ હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. આ વખતે IPL ઓક્શનરની ભૂમિકા માટે મલ્લિકા સાગરનું નામ સૌથી આગળ છે. મલ્લિકા આ પહેલાં મહિલા પ્રીમિયર લીગ માટે ઓક્શનરનું કામ કરી ચૂકી છે. તે પ્રો કબડ્ડી લીગ માટે પણ ઓક્શનરનું કામ કરી ચૂકી છે.
1 હજાર 166 ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
IPLના મિની ઓક્શન માટે કુલ 1 હજાર 166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 830 ભારતીય ખેલાડી છે. તમામ 10 ફ્રેંચાઈઝી પાસે કુલ 77 સ્લોટ ખાલી છે. જેમાં 30 વિદેશી ખેલાડીને સ્થાન મળી શકે છે. જે 1 હજાર 166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમાં 909 ખેલાડી અનકેપ્ડ છે એટલે કે આ ખેલાડીઓએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. સાથે 212 ખેલાડી કેપ્ડ છે એટલે કે, આ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે. આ વખતે ઓક્શનમાં 18 ભારતીય કેપ્ડ ખેલાડી પણ સામેલ છે.


