- IPLની હરાજીમાં વેચાયેલા અનકેપ્ડ ખેલાડીઓ માટે પ્રોત્સાહન આપતી યોજના
- ખેલાડી જેટલી ઈન્ટરનેશનલ મેચ રમશે તેટલો ફ્રેન્ચાઈઝી પગાર વધારશે
- IPL 2024 માટેની હરાજી 19 ડિસેમ્બરે યોજાવાની છે
BCCI ટૂંક સમયમાં IPLની હરાજીમાં વેચાયેલા અનકેપ્ડ ખેલાડીઓ માટે પ્રોત્સાહન આપતી યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ પ્લાન એવા ખેલાડીઓ માટે મોટી ભેટ હશે જેઓ હરાજીમાં અનકેપ્ડ પ્લેયર તરીકે વેચાયા હતા પરંતુ બાદમાં આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તક મળી કે મળશે.
વાસ્તવમાં, IPLમાં અનકેપ્ડ ખેલાડીઓ સામાન્ય રીતે ઓછા ભાવે વેચાય છે. પરંતુ જો તે પછીથી આંતરરાષ્ટ્રીય મેચો રમવાનું ચાલુ રાખે તો પણ કરાર મુજબ તેનો પગાર ત્રણ વર્ષ સુધી એટલો જ રહેશે. જો તે દરમિયાન તે રિલીઝ કરાય તો અલગ વાત છે. BCCIએ હવે આવા અનકેપ્ડ ખેલાડીઓને નુકસાનથી બચાવવા માટે એક નવી યોજના બનાવી છે.
આંતરરાષ્ટ્રીય મેચ રમવા પર મળશે ઇન્સેન્ટીવ
એક રિપોર્ટ અનુસાર, BCCIની આ યોજના મુજબ, IPL ઓક્શનમાં અનકેપ્ડ પ્લેયર તરીકે વેચાયા બાદ જેટલી વધુ ઈન્ટરનેશનલ મેચ રમાશે, ફ્રેન્ચાઈઝીએ તે મુજબ તેનો પગાર વધારવો પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ અનકેપ્ડ ખેલાડી રૂ. 50 લાખથી ઓછી રકમમાં ફ્રેન્ચાઈઝીની ટીમમાં જોડાય છે. પરંતુ બાદમાં, જો તે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમે છે, તો ફ્રેન્ચાઇઝીએ તેનો પગાર વધારીને 50 લાખ રૂપિયા કરવો પડશે.
તેવી જ રીતે જો તે ખેલાડી 5 થી 9 આંતરરાષ્ટ્રીય મેચ રમશે તો તેનો પગાર 75 લાખ રૂપિયા થશે. તે જ સમયે, જો તે ખેલાડી 10 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હોય તો તેને 1 કરોડ રૂપિયા મળવાની ખાતરી આપવામાં આવશે.
ઓક્શન પહેલા મોટી યોજના
IPL 2024 માટેની હરાજી 19 ડિસેમ્બરે યોજાવાની છે. દુબઈમાં યોજાનારી આ હરાજી માટે હવે માત્ર એક જ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, BCCIની આ યોજના અનકેપ્ડ ખેલાડીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. તેનાથી ભારતની સાથે વિદેશી અનકેપ્ડ ખેલાડીઓને પણ ફાયદો થશે.


