- IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે
- હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન
- હાર્દિકે ડીવાય પાટિલ T20 કપમાં વાપસી કરી
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2024 પહેલા લગભગ 4 મહિના બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. હાર્દિકના મેદાનમાં પાછા ફરતાં ફેન્સના ચહેરા ચમકી ઉઠ્યા હતા. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા ODI વર્લ્ડકપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હાર્દિક આ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યાને IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. હવે હાર્દિક IPL 2024 પહેલા ફિટ થઈને મેદાનમાં પાછો ફર્યો છે.
રિલાયન્સ 1 ટીમની કમાન સંભાળી
ODI વર્લ્ડકપ 2023માં ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક પંડ્યા હવે ડીવાય પાટિલ T20 કપમાં ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. હાર્દિક ડીવાય પાટિલ T20 કપમાં રિલાયન્સ-1 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તગયા અઠવાડિયે હાર્દિકે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ હાર્દિકે ડીવાય પાટિલ T20 કપ સાથે IPL 2024ની તૈયારી શરૂ કરી દીધી છે.
હાર્દિકની સાથે, રિલાયન્સ-1 ટીમમાં તિલક વર્મા, નેહલ વાઢેરા, આકાશ માધવાલ અને પીયૂષ ચાવલા જેવા ખેલાડીઓ પણ સામેલ છે, જેઓ IPL 2024ની આગામી સિઝનમાં હાર્દિકની આગેવાનીમાં રમશે. મેચમાં હાર્દિક પણ બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જેનો અર્થ છે કે ઓલરાઉન્ડર પોતાને આઈપીએલ અને આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે તૈયાર કરી રહ્યો છે. આ સિવાય ટીમમાંથી બહાર રહેલો ઈશાન કિશન પણ ડીવાય પાટિલ T20 કપમાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
હાર્દિક MIની કેપ્ટનશિપ કરશે
IPL 2024ની હરાજી પહેલા, હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણયથી ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. જે બાદ હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સની ઘણી ટીકા થઈ હતી. પરંતુ હવે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તેના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમતી જોવા મળશે.


