- IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
- IPLમાંથી ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને દૂર કરવાની માંગ
- ભૂતપુર્વ ક્રિકેટર વસીમ જાફરે નિયમ હટાવવાની કરી માંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. આ વખતે IPLમાંથી આ વખતે એક મોટો નિયમ એટલે કે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ દૂર થઈ શકે છે. આ અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ નિયમે IPLમાં પણ ભારે રોમાંચ સર્જાયો હતો. ગત સિઝનમાં આ નિયમ દરેક ટીમ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે આ નિયમ હટાવવાની માંગ કરી છે. વસીમ જાફરનું માનવું છે કે આ નિયમ ટીમ ઈન્ડિયા માટે ઘણો ખતરનાક છે.
IPLમાંથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ નાબૂદ થવો જોઈએ
વસીમ જાફરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, મને લાગે છે કે IPLને ઈમ્પેક્ટ પ્લેયર નિયમ નાબૂદ કરવાની જરૂર છે. કારણ કે આ નિયમ ઓલરાઉન્ડરને વધુ બોલિંગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો નથી અને ઓલરાઉન્ડરોની અછત છે. બેટિંગ ઓલરાઉન્ડર બોલિંગ નથી કરી રહ્યા, જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. આ નિયમ અંગે વસીમ જાફરનું સ્પષ્ટપણે માનવું છે કે આ નિયમ ભારતીય ટીમમાં ઓલરાઉન્ડરોને ખતમ કરી રહ્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડરોની અછત છે.
ઈમ્પેક્ટ પ્લેયરને નિયમ શું છે?
IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરવા માટે કેપ્ટને ટોસ દરમિયાન ટીમના પ્લેઈંગ ઈલેવન સાથે એવા પાંચ ખેલાડીઓના નામ આપવા પડશે. જેનો તેઓ મેચ દરમિયાન ઉપયોગ કરી શકે છે. જો કે, મેચ દરમિયાન, કેપ્ટન આ પાંચ ખેલાડીઓમાંથી માત્ર એક ખેલાડીનો અવેજી ખેલાડી તરીકે ઉપયોગ કરી શકે છે. આ નિયમ લાગુ થયા બાદ ટીમમાં 11ના બદલે 12 ખેલાડી રમે છે અને 12મા ખેલાડીને અહીં ઈમ્પેક્ટ પ્લેયર કહેવામાં આવે છે.
ઓલરાઉન્ડરોને મેચમાં તક આપી ન હતી
આ નિયમ લાગુ થયા બાદ એવું જોવા મળ્યું હતું કે મેચ દરમિયાન મોટાભાગના કેપ્ટનોએ ઓલરાઉન્ડરોને મેચમાં તક આપી ન હતી. હવે અહીં વસીમ જાફરની ચિંતા એકદમ વાજબી લાગે છે. કારણ કે ODI વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડ્યાની ઈજા બાદ ટીમને તેના જેવો બીજો કોઈ ઓલરાઉન્ડર મળ્યો ન હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાને પરિણામ ભોગવવા પડ્યા હતા.


