- BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24ની જાહેરાત કરી
- સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી શ્રેયસ અને ઈશાનની બાદબાકી
- ઘરેલુ ક્રિકેટ ન રમતા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કરાયા બહાર
28 ફેબ્રુઆરીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24ની જાહેરાત કરી હતી. શ્રેયસ ઐયર અને ઈશાન કિશન આમાં સામેલ નહોતા. ઐયરને કોઈપણ ગ્રેડમાં સામેલ ન કરવાનો નિર્ણય ઘણો ચોંકાવનારો હતો. હવે કોલકાતા નાઈટ રાઈડર્સના કોચે આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24ના કોઈપણ ગ્રેડમાં સામેલ કરી શકાયો હોત. પરંતુ આ કરવામાં આવ્યું ન હતું.
શ્રેયસ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે અને આ વર્ષે KKRની કમાન ઐયરના હાથમાં છે. કોચે એમ પણ કહ્યું કે ઐયર એવો ખેલાડી છે જેના પર આ બાબતોની અસર નહીં થાય, તે ફરી એકવાર ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન બનાવશે.
શ્રેયસ ઐયર ભવિષ્યમાં ટીમ સાથે જોડાશે
કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ ચંદ્રકાંત પંડિતે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાને ભવિષ્યમાં ઘણી સીરિઝ રમવાની છે. ઘણા એવા ખેલાડીઓ હશે જે ફોર્મમાં નહીં હોય. તેણે વધુમાં કહ્યું કે ઐયર IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે. તે ભારત માટે કોઈપણ ફોર્મેટમાં જોડાઈ શકે છે અને પ્રદર્શન કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે શ્રેયસ ઐયરનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24 માટે પસંદ ન કરવાનો નિર્ણય ચોંકાવનારો હતો.
ઐયરને કોઈપણ ગ્રેડમાં સામેલ કરી શકાયો હોત. તે ભારત માટે સારો દેખાવ કરનાર ખેલાડી છે. તેણે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. ચંદ્રકાંત પંડિતે વધુમાં કહ્યું કે, કોઈપણ ગ્રેડમાં સામેલ ન થવાથી ઐયર પર વધુ અસર નહીં થાય, તે આ સ્થિતિનો સામનો કરશે અને ફરી એકવાર જોરદાર વાપસી કરશે.
ઐયરનું ખરાબ ફોર્મ
શ્રેયસ ઐયરને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ બે ટેસ્ટ મેચની ચાર ઈનિંગ્સમાં તે કંઈ જ અદભૂત પ્રદર્શન કરી શક્યો ન હતો. સારી શરૂઆત મળવા છતાં તે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવતો હતો. હૈદરાબાદ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ઐયરે અનુક્રમે 35 અને 13 રન બનાવ્યા હતા. જ્યારે વિશાખાપટ્ટનમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અય્યર 27 અને 29 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ તેને બાકીની ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે ઐયરની બાદબાકી બાદ તેને રણજી ટ્રોફી 2024 રમવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે તે ઈજાને કારણે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો ન હતો. જ્યારે હવે તે મુંબઈ અને તમિલનાડુ વચ્ચે 2 માર્ચથી શરૂ થનારી સેમિફાઈનલ મેચમાં રમતા જોવો મળશે.
ઈશાનની પણ સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી બાદબાકી
શ્રેયસ અય્યર સિવાય ઈશાન કિશનને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24માંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. વાસ્તવમાં, BCCI દ્વારા ઈશાનને તેની હોમ ટીમ ઝારખંડ માટે રણજી ટ્રોફી 2024 રમવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. જો કે, તે IPL 2024ની તૈયારી માટે બરોડામાં હાર્દિક પંડ્યા પાસે ગયો હતો. BCCI સહિત ઘણા લોકો ઈશાન કિશનના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહ્યા હતા. થોડા સમય પહેલા સુધી તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત માટે મહત્વનો ખેલાડી હતો. પરંતુ હવે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24માં પણ સ્થાન મળ્યું નથી. ઈશાન અને ઐયરની બાદબાકી બાદ તે ભારતીય ખેલાડીઓને એવા સંકેતો પણ આપવામાં આવ્યા છે કે જો તેમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં નહીં આવે તો ખેલાડીઓએ સ્થાનિક ક્રિકેટને મહત્વ આપવું પડશે.


