ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક પર બીસીસીઆઈ દ્વારા બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આઈપીએલ 2025ની શરૂઆત પહેલા જ બ્રુકે ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ કૃત્ય બદલ બ્રુક વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે અને તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.
આનો અર્થ એ થયો કે આ ઈંગ્લિશ બેટ્સમેન આગામી બે વર્ષ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લઈ શકશે નહીં. દિલ્હી કેપિટલ્સે મેગા ઓક્શનમાં 6.25 કરોડ રૂપિયા ખર્ચીને બ્રુકને ટીમમાં સામેલ કર્યો.
હેરી બ્રુક પર લાગ્યો પ્રતિબંધ
તાજેતરમાં IPL 2025માંથી પોતાનું નામ પાછું ખેંચનાર હેરી બ્રુકને BCCI દ્વારા મોટી સજા આપવામાં આવી છે. ભારતીય બોર્ડે ઈંગ્લિશ ક્રિકેટર પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. બ્રુક હવે આગામી બે વર્ષ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા જોવા મળશે નહીં. IPL 2025ની મેગા ઓક્શન પહેલા, BCCI એ નિયમ લાગુ કર્યો હતો કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જે પણ વિદેશી ખેલાડી પોતાનું નામ પાછું ખેંચશે તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે. આ જ કારણ છે કે બ્રુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હેરી બ્રુક
હેરી બ્રુકે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને માહિતી આપી હતી કે તે IPL 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી શકશે નહીં. બ્રુકે કહ્યું કે આ ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે અને તેથી જ તે આગામી સિરીઝની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું અને ટીમને ગ્રુપ સ્ટેજમાં જ બહાર થવું પડ્યું. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે, જોસ બટલરે ટુર્નામેન્ટની મધ્યમાં વ્હાઈટ બોલ કેપ્ટનશીપ છોડી દીધી. મેગા ઓક્શનમાં 6.25 કરોડ રૂપિયા ખર્ચીને બ્રુકને દિલ્હીની ટીમમાં ઉમેરવામાં આવ્યો. બ્રુક અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદનો પણ ભાગ રહી ચૂક્યો છે. બ્રુકનું બહાર નીકળવું દિલ્હી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે.


