IPL 2025ની 18મી સીઝન શરૂ થવામાં હવે 2 જ દિવસ બાકી છે. આને લઈને BCCI એ 19 માર્ચે મુંબઈમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમોના કેપ્ટનો સાથે બેઠક યોજી હતી.
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા શેડ્યુલમાં ફેરફારના સમાચાર સામે આવ્યા છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે 6 એપ્રિલે યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ હવે સુરક્ષાના કારણોસર ગુવાહાટીમાં રમાશે.
આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
રામ નવમીને ધ્યાનમાં રાખીને 6 એપ્રિલે KKR અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલકાતા પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખને સ્પષ્ટ કર્યું કે આ દિવસે મેચ માટે સુરક્ષા પૂરી પાડવી શક્ય નહીં હોય.
CAB પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રામ નવમીના દિવસે કોલકાતામાં 20,000 થી વધુ શોભાયાત્રા નીકળશે, જેના કારણે સુરક્ષા સુનિશ્ચિત કરવી મુશ્કેલ બનશે. આ કારણોસર, BCCI ને આ પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે અને હવે આ મેચ ગુવાહાટીમાં રમાશે.
અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં રમશે કોલકાતા નાઈટ રાઈડર્સ
IPLની છેલ્લી સિઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ એ શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઈટલ જીત્યું. પરંતુ મેગા ઓક્શન પહેલા, KKR એ તેમના કેપ્ટન શ્રેયસ ઐયરને રિટેન ન કરવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા. આ પછી, ટીમે ઓક્શનમાં અજિંક્ય રહાણેને પોતાની ટીમમાં સામેલ કર્યો, જે હવે આગામી સિઝનમાં KKRનું નેતૃત્વ કરશે. KKR તેની પહેલી મેચ 22 માર્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે.


