પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વર્તમાન IPL સીઝન દુઃસ્વપ્ન જેવી રહી છે. આ વર્ષે ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની હાલત એવી થઈ ગઈ છે કે તેના માટે તેના ઘરઆંગણે પણ જીતવું મુશ્કેલ બની ગયું છે.
ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે સમગ્ર IPL સીઝનમાંથી બહાર થઈ ગયો, ત્યારે ટીમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો. ગાયકવાડના બહાર થયા બાદ, ટીમ મેનેજમેન્ટે ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીને ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જેને ટીમ માટે પાંચ ટ્રોફી જીતી છે. ટીમ સામે હવે સૌથી મોટું તણાવ ગાયકવાડના સ્થાને ખેલાડીનો છે.
પૃથ્વી શોને મળશે નવી લાઈફલાઈન?
આ સિઝનમાં ગાયકવાડ ટીમ માટે ત્રીજા નંબરે બેટિંગ કરી રહ્યો હતો. આ પરિસ્થિતિમાં, ટીમને તેના સ્થાને એક એવા બેટ્સમેનની જરૂર છે જે ટોપના ક્રમમાં તેની જગ્યાએ રમી શકે. ટીમમાં આ ખાલી જગ્યા યુવાન પૃથ્વી શો ભરી શકે છે, જે ગયા વર્ષે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો.
તે ફક્ત CSK ટીમને મજબૂત શરૂઆત આપી શકતો નથી, પરંતુ તે પોતાની બેટિંગથી ટીમના અન્ય ખેલાડીઓ પરથી દબાણ પણ દૂર કરી શકે છે. જો આવું થશે તો તે પૃથ્વી માટે એક નવી લાઈફલાઈન બનશે.
દિલ્હી તરફથી રમી ચૂક્યો છે પૃથ્વી શો
25 વર્ષીય મુંબઈનો ઓપનર 2018 થી 2024 સુધી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યો છે, જ્યાં તેને 79 આઈપીએલ મેચોમાં 23.95ની એવરેજ અને 147.47ના સ્ટ્રાઈક રેટથી 1892 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 14 અર્ધશતક આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય અંડર-19 કેપ્ટન પણ તેની ફિટનેસને લઈને ટીકાનો ભોગ બન્યો છે. પરંતુ ધોનીના માર્ગદર્શન હેઠળ, તે સારું પ્રદર્શન કરી શકે છે. જો આવું થાય તો તેનું બરબાદ થયેલું કરિયર ફરી પાટા પર આવી શકે છે.


