IPL 2025 ની મધ્યમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ સિઝનમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેઓ 11 મેચમાં 9 હાર સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.
સીઝનની મધ્યમાં ચેન્નાઈની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સીએસકેનો એક યુવાન ખેલાડી ઈજાને કારણે બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ઘાયલ ખેલાડીના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે.
વંશ બેદી ટુર્નામેન્ટમાંથી થયો બહાર
ચેન્નાઈનો યુવા ખેલાડી વંશ બેદી ઈજાના કારણે આઈપીએલની આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. વંશને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ ઈજાગ્રસ્ત વંશ બેદીના સ્થાને ઉર્વિલ પટેલનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ પહેલા ઉર્વિલ પટેલ IPLમાં ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
હવે ચેન્નાઈએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPL એ વંશ બેદી અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી અને કહ્યું કે CSK એ વંશ બેદીના સ્થાને ઉર્વિલ પટેલનો ટીમમાં સમાવેશ કર્યો છે, જે ડાબા પગની ઘૂંટીમાં ઈજાને કારણે ટુર્નામેન્ટની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.
ઉર્વિલ પટેલનો T20 ફોર્મેટમાં શાનદાર રેકોર્ડ
તમને જણાવી દઈએ કે ગુજરાતના વિકેટકીપર-બેટ્સમેન ઉર્વિલના નામે ભારત માટે T20 માં સંયુક્ત રીતે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. તેને અત્યાર સુધી તેની કારકિર્દીમાં 47 T20 મેચ રમી છે, જેમાં તેને 1162 રન બનાવ્યા છે. તેને આ રન 170 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, ઉર્વિલે 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે.
ઉર્વિલનો સર્વોચ્ચ સ્કોર અણનમ 115 રન છે. તેને 22 લિસ્ટ A મેચોમાં 748 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેની એવરેજ 44 છે અને સ્ટ્રાઈક રેટ 121 છે. ગુજરાત પહેલા, તે ઘરેલુ ક્રિકેટમાં બરોડા માટે રમતો હતો. હવે જોવાનું એ રહે છે કે ચેન્નાઈની ટીમ આ સિઝનમાં તેની બાકીની મેચોમાં આ ખેલાડીને તક આપે છે કે નહીં.


