છેલ્લા 2 સીઝનથી, એમએસ ધોનીના આઈપીએલમાંથી નિવૃત્તિ અંગે ઘણી અટકળો ચાલી રહી છે. દર વખતે ફેન્સ એવું વિચારે છે કે ધોની આ સિઝનમાં IPLમાંથી નિવૃત્તિ લેશે, પરંતુ ધોની ફરીથી રમતો જોવા મળે છે.
IPL 2025 માં રમવા સિવાય ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ પણ કરી રહ્યો છે. હવે ધોનીના નિવૃત્તિ અંગે મોટી માહિતી સામે આવી રહી છે.
IPL 2026માં રમશે ધોની?
મીડિયા રિપોર્ટ મુજબ એમએસ ધોની થોડા મહિનાઓ પછી નિવૃત્તિ અંગે નિર્ણય લઈ શકે છે. પરંતુ તેમ છતાં, ટીમમાં હજુ પણ ઘણા મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવો થોડો મુશ્કેલ છે. જેના કારણે એમએસ ધોની હાલમાં ટીમ છોડી શકતો નથી. CSK ટીમમાં હજુ પણ યુવા ખેલાડીઓ રહેવાની જરૂર છે. આ પરિસ્થિતિમાં, ધોનીની હાજરી CSK માટે વિકેટકીપર, ફિનિશર અને ગાઈડ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
IPL 2025 માં CSKનું ખરાબ પ્રદર્શન
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. શરૂઆતની મેચોમાં ઋતુરાજ ગાયકવાડ CSKનો કેપ્ટન હતો, પરંતુ ઈજાને કારણે તેને આખી ટુર્નામેન્ટમાંથી બહાર રહેવું પડ્યું. આ પછી, ફરી એકવાર કેપ્ટનશીપ એમએસ ધોનીને સોંપવામાં આવી. પરંતુ તેમ છતાં ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો નહીં. CSKએ IPL 2025માં તેની 12 મેચ રમી છે, જેમાંથી ટીમ 9 મેચ હારી ગઈ છે જ્યારે CSK ને ફક્ત 3 મેચમાં જીત મળી છે. હાલમાં, CSK પ્લેઓફની રેસમાંથી બહાર છે.
વર્ષ 2023 માં જીત્યું હતું છેલ્લું ટાઈટલ
એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત CSK એ 2023 માં IPL જીત્યું હતું, જ્યારે CSK એ MS ધોનીની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. ગયા સિઝનમાં પણ CSK ટીમ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી.