એમએસ ધોની 43 વર્ષનો હોવા છતાં, તેની વિકેટકીપિંગ કુશળતા હજુ પણ દુનિયામાં અજોડ છે. 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં, તેને સૂર્યકુમાર યાદવને આંખના પલકારામાં સ્ટમ્પ આઉટ કર્યો.
ધોનીના હાથ જોતાં એવું લાગતું હતું કે વીજળી ચમકી રહી છે કારણ કે ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં સૂર્યકુમાર યાદવના સ્ટમ્પ વિખેરી નાખ્યા. આ મેચમાં સૂર્યા ફક્ત 29 રન જ બનાવી શક્યો.
ધોનીએ સૂર્યકુમાર યાદવને કર્યો સ્ટમ્પ આઉટ
આ ઘટના મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 11મી ઓવરમાં બની હતી. નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના ત્રીજા બોલ પર, સૂર્યકુમાર યાદવે બેટ સ્વિંગ કર્યું પરંતુ બોલ ચૂકી ગયો. ધોનીને ફક્ત એક તકની જરૂર હતી, જેનો તેને પૂરો ફાયદો ઉઠાવ્યો અને સૂર્યકુમાર યાદવને સ્ટમ્પ આઉટ કર્યો. ધોનીના હાથ એટલા ઝડપી હતા કે જ્યારે ધોનીએ સ્ટમ્પ વિખેર્યા ત્યારે તેને લાઈવ એક્શનમાં જોવું અશક્ય હતું. સ્લો મોશનમાં પણ, ધોનીના હાથ વીજળીની ગતિએ ફરતા હતા.
ધોનીના નામે છે સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ
તમને જણાવી દઈએ કે ધોની આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 44 બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કર્યા છે. દિનેશ કાર્તિક 37 સ્ટમ્પિંગ સાથે આ લિસ્ટમાં બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રહેલા રોબિન ઉથપ્પાએ પોતાની આઈપીએલ કારકિર્દીમાં 32 બેટ્સમેનોને સ્ટમ્પ કર્યા છે.
ગત સિઝનમાં ધોનીએ મચાવી ધૂમ
એમએસ ધોનીએ તેની 264 મેચની આઈપીએલ કારકિર્દીમાં 5,243 રન બનાવ્યા છે. તે આઈપીએલમાં ક્યારેય સદી ફટકારી શક્યો નથી, પરંતુ તેને 24 અડધી સદી ચોક્કસ ફટકારી છે. તમને જણાવી દઈએ કે ગયા સિઝનમાં ધોનીએ 220 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા હતા.


