IPL 2025 ની 11મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રને હરાવ્યું. રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા 183 રનના લક્ષ્યાંકના જવાબમાં, સીએસકેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 176 રન જ બનાવી શકી.
CSK તરફથી, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 63 રન બનાવ્યા જ્યારે રવિન્દ્ર જાડેજા 32 રન બનાવી અણનમ રહ્યો. જાડેજા ટીમને વિજય તરફ દોરી શક્યો નહીં. વાનિંદુ હસરંગાએ ધૂમ મચાવી અને ચાર વિકેટ લીધી. આ પહેલા નીતિશ રાણાએ 36 બોલમાં 81 રનની શાનદાર ઈનિંગ રમી, જેની મદદથી રાજસ્થાનની ટીમ સ્કોર બોર્ડ પર 182 રન બનાવી શકી હતી. રાજસ્થાને જીતનું ખાતું ખોલ્યું છે, જેનો ફાયદો તેમને પોઈન્ટ ટેબલમાં પણ મળ્યો છે.
રાજસ્થાનને જીતનો થયો ફાયદો
રાજસ્થાન રોયલ્સને IPL 2025 માં પોતાનો પહેલી જીત મળી છે. આ જીત સાથે, રાજસ્થાન હવે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને આવી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે ટેબલમાં સૌથી નીચે સરકી ગયું છે. આ હાર સાથે, ચેન્નાઈ સુપર કિંગ્સ હવે સાતમા સ્થાને આવી ગયું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની જીત બાદ દિલ્હી કેપિટલ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટોપ પર છે. આ દરમિયાન, સનરાઈઝર્સ હૈદરાબાદ આઠમા સ્થાને પહોંચી ગયું છે. લખનૌ સુપર જાયન્ટ્સ 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાત ટાઈટન્સ ચોથા સ્થાને છે.
CSK માટે ખરાબ શરૂઆત
183 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. રચિન રવિન્દ્રને પહેલી જ ઓવરમાં જોફ્રા આર્ચરે પેવેલિયન મોકલી દીધો. રાહુલ ત્રિપાઠી 19 બોલમાં 23 રન બનાવીને વાનિંદુ હસરંગાનો શિકાર બન્યો. શિવમ દુબે પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં અને 18 રન બનાવીને આઉટ થયો. વિજય શંકરે પણ પોતાની બેટિંગથી નિરાશ થયા અને 9 રન બનાવીને હસરંગાના બોલ પર ક્લીન બોલ્ડ થયો.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી અને 44 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમી. પોતાની ઈનિંગ દરમિયાન, ઋતુરાજે 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. છેલ્લી ઓવરમાં ધોનીએ 11 બોલમાં 16 રન ફટકાર્યા જ્યારે જાડેજા 32 રન બનાવીને અણનમ રહ્યો. બંને મળીને પણ ટીમને જીત અપાવી શક્યા નહીં.
નીતિશ રાણાએ રમી શાનદાર ઈનિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલા રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી અને યશસ્વી જયસ્વાલ ફક્ત 4 રન બનાવીને પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. આ પછી, નીતિશ રાણા ક્રીઝ પર આવ્યા અને સંજુ સેમસન સાથે મળીને રાજસ્થાનની ઈનિંગ્સને ખૂબ સારી રીતે સંભાળી. નીતીશે ખૂબ જ આક્રમક રીતે બેટિંગ કરી અને CSK બોલરોને આડે હાથ લીધા. સેમસન 20 રન બનાવીને આઉટ થયો, પરંતુ નીતિશ એક છેડે મક્કમ રહ્યો. નીતિશે પાવરપ્લેમાં જ પોતાની અડધી સદી પૂર્ણ કરી. નીતીશે 36 બોલમાં 81 રનની શાનદાર ઈનિંગ રમી. પોતાની ઈનિંગ દરમિયાન નીતીશે 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. કેપ્ટન રિયાન પરાગે 28 બોલમાં 37 રન બનાવ્યા, જ્યારે હેટમાયર 19 રન બનાવ્યા, જેના કારણે રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 182 રન બનાવવામાં સફળ રહી.


