દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં કેએલ રાહુલનું બેટ જોરથી બોલી રહ્યું છે. ઈનિંગની શરૂઆત કરવા આવેલા રાહુલ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં બેટથી ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.
કેએલ રાહુલે પોતાની અડધી સદી પૂર્ણ કરી છે અને આ મહત્વપૂર્ણ મેચમાં દિલ્હી માટે તારણહાર સાબિત થઈ રહ્યો છે. આ ઈનિંગ દરમિયાન રાહુલે T20 ક્રિકેટમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ખાસ બાબતમાં તેને વિરાટ કોહલી અને મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધા છે.
રાહુલના નામે મોટી સિદ્ધિ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે ખરાબ શરૂઆત કરી હતી. ફાફ ડુ પ્લેસિસને અરશદ ખાન દ્વારા માત્ર 5 રન બનાવીને આઉટ કરવામાં આવ્યો. આ પછી, ઓપનર તરીકે મેદાન પર આવેલા કેએલ રાહુલે જવાબદારી સંભાળી અને અભિષેક પોરેલ સાથે મળીને બીજી વિકેટ માટે 90 રનની પાર્ટનરશિપ કરી. રાહુલે શાનદાર બેટિંગ કરી અને આ સિઝનની પોતાની ચોથી અડધી સદી 35 બોલમાં પૂર્ણ કરી. આ ઈનિંગ દરમિયાન રાહુલે T20 ક્રિકેટમાં 8 હજાર રન પણ પૂરા કર્યા છે.
રાહુલ ઝડપી ક્રિકેટમાં 8 હજાર રન બનાવનાર ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તેvs આ બાબતમાં કિંગ કોહલીને પાછળ છોડી દીધો છે. રાહુલે 224મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. કોહલીએ 243મી મેચ આ સિદ્ધિ હાંસિલ કરી હતી. રાહુલ પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાનથી પણ આગળ નીકળી ગયો છે. રિઝવાને તેની 244મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી.
શાનદાર ફોર્મમાં છે કેએલ રાહુલ
દિલ્હી કેપિટલ્સ જર્સીમાં કેએલ રાહુલ માટે આ સિઝન અદ્ભુત રહી છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ પહેલા રાહુલે 11 મેચમાં 145 ના સ્ટ્રાઈક રેટથી 467 રન બનાવ્યા છે. રાહુલે આ વર્ષે દિલ્હી માટે દરેક સ્થાન પર શાનદાર બેટિંગ કરી છે.


