અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં વિરાટ કોહલીના બેટમાંથી બીજી એક અદ્ભુત ઈનિંગ આવી. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં કિંગ કોહલીએ 47 બોલમાં 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આ ઈનિંગ સાથે, વિરાટ કોહલીએ IPL 2025ની ઓરેન્જ કેપ પર કબજો જમાવ્યો છે. વિરાટ કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 10 મેચમાં 443 રન બનાવ્યા છે. વિરાટે IPLમાં એ સિદ્ધિ મેળવી છે, જે આ લીગના ઈતિહાસમાં કોઈ બેટ્સમેન કરી શક્યો નથી.
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ 11મી વખત છે જ્યારે વિરાટે એક સિઝનમાં 400 રનનો આંકડો પાર કર્યો છે. કોહલી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન છે. કોહલી સિવાય, કોઈ પણ બેટ્સમેન તેની આઈપીએલ કારકિર્દીમાં 10 વખત પણ 400 રનનો આંકડો સ્પર્શી શક્યો નથી.
આ લિસ્ટમાં બીજા નંબરે સુરેશ રૈના, શિખર ધવન અને ડેવિડ વોર્નર છે, જેમને તેમના IPL કરિયરમાં 9 વખત એક સીઝનમાં 400 થી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્માએ આ લીગમાં 8 વખત આ સિદ્ધિ મેળવી છે. IPL 2025 માં વિરાટ અદ્ભુત ફોર્મમાં જોવા મળ્યો છે. વિરાટે આ સિઝનમાં છ અડધી સદી ફટકારી છે.
દિલ્હી કેપિટલ્સ સામે પણ રમી મહત્વપૂર્ણ ઈનિંગ્સ
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ પણ 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કોહલીએ એન્કરની ભૂમિકા ભજવી હતી અને તેની ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે આરસીબીએ માત્ર 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે વિરાટે કૃણાલ પંડ્યા સાથે મળીને ચોથી વિકેટ માટે 119 રન ઉમેર્યા હતા. કૃણાલે 47 બોલમાં 73 રન બનાવ્યા અને લગભગ 9 વર્ષ પછી આ લીગમાં અડધી સદી ફટકારી. RCB એ પોતાની સાતમી જીત નોંધાવી છે અને પ્લેઓફ તરફ આગળ વધ્યું છે.


