કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી આઈપીએલમાં થઈ રહેલા ફેરફારોથી નાખુશ છે. કદાચ આ જ કારણ છે કે બંને ટીમોએ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ સમક્ષ પોતાની ફરિયાદ મૂકી છે. બંને ટીમોની પોતાની અલગ અલગ સમસ્યાઓ છે. દિલ્હી કેપિટલ્સે મેચ મુંબઈની બહાર ખસેડવાની અપીલ કરી છે તો IPLના નિયમોમાં ફેરફાર પર KKRએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આજની મેચ બદલવાની અપીલ
દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝના સહ-માલિક પાર્થ જિંદાલે BCCI ને અપીલ કરી છે કે મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આજની મેચ મુંબઈની બહાર ખસેડવી જોઈએ. તેમણે મેચના મહત્વ અને શહેરમાં ભારે કમોસમી વરસાદને કારણે જાહેર કરાયેલા યલો એલર્ટને ધ્યાનમાં રાખીને આ વિનંતી કરી છે. પાર્થ જિંદાલે લખ્યું છે કે, ‘મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે અને વરસાદને કારણે મેચ રદ થવાની પ્રબળ શક્યતા છે. છેલ્લા છ દિવસથી આપણે જાણીએ છીએ કે 21મી તારીખે મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજની મેચ કેમ મહત્વપૂર્ણ ?
દિલ્હી કેપિટલ્સ પાસે હાલમાં 13 પોઈન્ટ છે અને જો તેઓ તેમની છેલ્લી બે મેચ જીતશે તો તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. પણ જો તે આજે હારી જાય તો તેની રમત ખતમ થઈ જશે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે. તો મુંબઈ ઈન્ડિયન્સના 15 પોઈન્ટ અને કેપિટલ્સના 14 પોઈન્ટ થશે અને જો મુંબઈ ઈન્ડિયન્સ તેમના છેલ્લા લીગ રાઉન્ડ મેચમાં પંજાબ કિંગ્સને હરાવે છે. તો પંજાબ અને દિલ્હી વચ્ચેની છેલ્લી મેચ માત્ર એક ઔપચારિકતા બની રહેશે.
KKR મેનેજમેન્ટ કેમ નાખુશ ?
IPL એ લીગ રાઉન્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં વરસાદને કારણે થયેલા સમયની ભરપાઈ કરવા માટે મેચ દરમિયાન વધારાની 60 મિનિટનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે કુલ 120 મિનિટ વધારાની, અગાઉ આ સમય ફક્ત 60 મિનિટ હતો. એનો અર્થ એ થયો કે એક કલાક પછી ઓવરો કાપવા લાગ્યા. આ પછી, KKR એ નારાજગી વ્યક્ત કરી છે કારણ કે તેઓએ પણ BCCI ને પત્ર લખીને નિયમોમાં સ્થિરતાની અપેક્ષા રાખી હતી. બેંગલુરુમાં KKR અને RCB વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે બંને ટીમો સમાન પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ KKRના CEO વેંકી મૈસુરના ઈમેલ મુજબ, જો વધારાની 60 મિનિટ ઉપલબ્ધ હોત, તો 5-5 ઓવરની મેચ શક્ય બની શકી હોત.


