IPL ની 18મી સીઝન પૂરી થઈ ગઈ છે અને આ વખતે ક્રિકેટ ફેન્સને ખુબ ખુશી મળી. રજત પાટીદારની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પહેલી વખત IPL ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો. ફાઈનલમાં બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને હરાવ્યું. પંજાબ ફરી એકવાર ટાઈટલ ચૂકી ગયું અને રનર-અપ રહ્યું.
લગભગ બે મહિના સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં ભારત અને વિદેશના અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો અને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. ઘણા નવા યુવા ખેલાડીઓએ, જેવા કે વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય અને આયુષ મ્હાત્રેએ શાનદાર પ્રદર્શન કર્યું અને બધાને બતાવ્યું કે તેઓ આવનારા વર્ષોમાં IPLના ચમકતા સ્ટાર બની શકે છે. પરંતુ આ સિઝનમાં, કેટલાક અનુભવી ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું, જેના કારણે એવું લાગે છે કે તેઓ આગામી IPLમાં જોવા નહીં મળે.
આર અશ્વિન
આર અશ્વિન પહેલાથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ સિઝનમાં ચેન્નાઈએ તેને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, પરંતુ તે અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં. તેનું પ્રદર્શન નિરાશાજનક હતું. હવે જ્યારે તે 39 વર્ષનો થવાનો છે, તો શક્ય છે કે તે આગામી સિઝનમાં રમતા પહેલા નિવૃત્તિ લેવાનો નિર્ણય લે.
મોઈન અલી
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેને KKR એ બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો, પરંતુ તેને 2 ઈનિંગ્સમાં ફક્ત 5 રન બનાવ્યા હતા. બોલિંગમાં તેને 6 વિકેટ લીધી હતી, પરંતુ તેની હાજરીથી ટીમને ખાસ ફાયદો થયો ન હતો. આ પરિસ્થિતિમાં, KKR તેને રિલીઝ કરી શકે છે અને અન્ય ટીમો માટે તેને ખરીદવો મુશ્કેલ લાગે છે.
ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલ તાજેતરમાં જ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને IPLમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ સિઝનમાં પંજાબે તેને ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તે અધવચ્ચે જ બહાર થઈ ગયો હતો. ઘણીવાર એવું જોવા મળે છે કે તે IPLમાં થોડી જ મેચોમાં પ્રદર્શન કરી શક્યો છે, બાકીના સમયે તે ફ્લોપ સાબિત થાય છે. જો પંજાબ તેને રિલીઝ કરે છે, તો બીજી કોઈપણ ટીમ માટે તેને ખરીદવો મુશ્કેલ બનશે.
ફાફ ડુ પ્લેસિસ
આ વખતે અક્ષર પટેલ ઘાયલ થયો ત્યારે ફાફ ડુ પ્લેસિસે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું. પરંતુ તેને 9 મેચમાં ફક્ત 202 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ ફક્ત 123 રહ્યો. તેની ઉંમર અને તાજેતરના ફોર્મને ધ્યાનમાં લેતા એવું કહી શકાય કે તે ટૂંક સમયમાં લીગ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.