રિષભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે શુભમન ગિલના નેતૃત્વ હેઠળના ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે હરાવ્યું. એડન માર્કરામ (58) અને નિકોલસ પૂરને (61) વિસ્ફોટક ઈનિંગ્સ રમીને લખનૌની જીત એકતરફી બનાવી દીધી હતી પરંતુ અંતિમ ક્ષણોમાં મેચ રોમાંચક બની ગઈ હતી.
લખનૌને છેલ્લી ઓવરમાં જીત માટે 6 રનની જરૂર હતી. પહેલા બોલ પર અબ્દુલ સમદે સિંગલ લીધો અને આયુષ બદોનીને સ્ટ્રાઈક આપી. બીજા બોલ પર શાનદાર ફોર ફટકારીને બદોનીએ સ્કોર બરાબરી કર્યો. બદોનીએ ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને લખનૌને 6 વિકેટથી જીત અપાવી.
પંતે બનાવ્યા 21 રન
181 રનના લક્ષ્યનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે કેપ્ટન રિષભ પંત અને એડન માર્કરામ સાથે ઈનિંગની શરૂઆત કરી. બંનેએ ઝડપી શરૂઆત આપી, પરંતુ ગુજરાતની નબળી ફિલ્ડિંગ પણ તેમાં ફાળો આપતી હતી. પંત અને માર્કરામે પાવરપ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 61 રન બનાવ્યા. પંત 7મી ઓવરના બીજા બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે કેચ આઉટ થયો. તેને 18 બોલમાં 21 રન બનાવ્યા.
એડન માર્કરામની વિસ્ફોટક ઈનિંગ્સ
આ પછી પણ એડન માર્કરામે પોતાની વિસ્ફોટક ઈનિંગ્સ ચાલુ રાખી અને જ્યારે તે આઉટ થયો ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું. માર્કરામ 12મી ઓવરના પહેલા બોલ પર કેચ આઉટ થયો, તેને ૩૧ બોલમાં ઝડપી ૫૮ રન બનાવ્યા. આ ઈનિંગમાં તેને 1 છગ્ગો અને 9 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે માર્કરામ આઉટ થયો ત્યારે લખનૌને જીત માટે 53 બોલમાં 58 રનની જરૂર હતી.
નિકોલસ પૂરનની વિસ્ફોટક ઈનિંગે મેચને એકતરફી બનાવી દીધી
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા નિકોલસ પૂરને પણ ગુજરાત ટાઈટન્સના બોલરો પર પ્રહારો કર્યા. તેને 13મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને 23 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ સાથે, તેને તેની ઓરેન્જ કેપ પણ પાછી મળી, જે પહેલી ઈનિંગ પછી સાઈ સુદર્શનને મળી ગઈ હતી.
નિકોલસ પૂરને 34 બોલમાં 61 રનની ધમાકેદાર ઈનિંગ રમી, આ ઈનિંગમાં તેને 7 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. રાશિદ ખાન દ્વારા ફેંકાયેલી 16મી ઓવરના બીજા બોલ પર તે કેચ આઉટ થયો, આ સમયે ટીમનો સ્કોર 155/3 હતો અને જીત માટે 26 રનની જરૂર હતી.
ગિલ-સાઈની સદીની પાર્ટનરશિપ ગઈ વ્યર્થ
ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરીને 180 રન બનાવ્યા હતા, પરંતુ શુભમન ગિલ અને સાઈ સુદર્શને જે રીતે શરૂઆત આપી હતી, તેનાથી સ્કોર ઓછામાં ઓછો 210 સુધી પહોંચી જવો જોઈતો હતો. ગિલ (60) અને સુદર્શને (56) પ્રથમ વિકેટ માટે 120 રન ઉમેર્યા હતા. ગુજરાતનો મિડલ ઓર્ડર નિષ્ફળ ગયો અને છેલ્લી 8 ઓવરમાં ગુજરાતની ટીમ ફક્ત 60 રન જ બનાવી શકી.
શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. શાર્દુલે તેના T20 કરિયરમાં 200 વિકેટ પૂર્ણ કરી. 4 ઓવરનો સ્પેલ પૂર્ણ કરનારા બોલરોમાં, દિગ્વેશ સિંહ સૌથી વધુ ઈકોનોમિક બોલર હતો, તેને 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી.


