IPL 2025 માં ગુજરાત ટાઈટન્સ શુભમન ગિલના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાતે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 ફોર્મેટમાં રમાય છે, પરંતુ ગિલ ટેસ્ટ મેચો માટે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. જાણો આ પાછળનું સાચું કારણ શું છે?
ગુજરાત ટાઈટન્સની આગામી મેચ 25 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થવાની છે, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મીડિયા રિપોર્ટ મુજબ ગિલ બુધવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રેડ બોલથી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ગુજરાત ટીમના અન્ય ખેલાડીઓ મોટા શોટની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા, ત્યારે ગિલે ટેસ્ટ મેચ માટે પ્રેક્ટિસ કરી.
જાણો શું છે કારણ?
ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થવાનો છે, પરંતુ તે પહેલાં ભારત-A ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે. ઈન્ડિયા A ટીમે ઈંગ્લેન્ડ લાયન્સ સાથે 2 ફર્સ્ટ-ક્લાસ મેચ રમવાની છે. ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલ અને સાઈ સુદર્શન ઈંગ્લેન્ડ લાયન્સ સામેની પહેલી મેચ રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં, પરંતુ બીજી મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
તો બીજી બાજુ એવી અટકળો ચાલી રહી છે કે શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવશે. આ ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી માટે, શુભમન ગિલ IPL 2025 દરમિયાન પણ રેડ બોલથી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે.
IPL 2025માં ધૂમ મચાવી રહ્યો છે શુભમન ગિલ
શુભમન ગિલ IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરીને ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. વર્તમાન સિઝનમાં, ગિલે અત્યાર સુધીમાં 12 મેચમાં 601 રન બનાવ્યા છે, જેમાં 6 અડધી સદીનો સમાવેશ થાય છે. IPL 2025 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ગિલની ટીમના સભ્ય સાઈ સુદર્શન છે, જેને અત્યાર સુધીમાં 617 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તેનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


