IPL 2025માં આજે 30 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ એકબીજા સામે ટકરાઈ છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરી હતી. દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્ક અને કુલદીપ યાદવે બાજી સંભાળી હતી. કુલદીપે પોતાના સ્પેલમાં શાનદાર બોલિંગ કરી અને હૈદરાબાદના બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા.
કુલદીપના સ્પિન સામે હૈદરાબાદની ટીમ ના ટકી શકી
કુલદીપ યાદવે સ્પિન બોલિંગની જવાબદારી પોતાના ખભા પર લીધી અને હૈદરાબાદ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને 3 મહત્વપૂર્ણ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી દીધા. તેણે આ મેચની 15.5મી ઓવરમાં સૌથી મોટી માછલી પકડી અને વિસ્ફોટક બેટિંગ કરતા અનિકેત વર્માને પેવેલિયન પરત મોકલી દીધો. અનિકેતે 41 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કુલદીપે અભિનવ મનોહર અને પેટ કમિન્સને પણ પેવેલિયન પાછા મોકલ્યા હતા. કુલદીપે પોતાના 4 ઓવરના સ્પેલમાં દિલ્હી માટે સૌથી ઓછા ઈકોનોમી રેટ (5.50) પર 22 રન આપીને 3 વિકેટ લીધી.
હૈદરાબાદ 163 રનમાં ઓલઆઉટ થઈ ગયું
આ મેચમાં દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્ક સૌથી સફળ બોલર રહ્યો, તેણે 3.4 ઓવરમાં 35 રન આપીને 5 વિકેટ લીધી. આ સિવાય મોહિત શર્માને માત્ર 1 વિકેટ મળી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 18.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી અનિકેત વર્મા ઉપરાંત હેનરિક ક્લાસેને 19 બોલમાં 32 રન બનાવ્યા. જ્યારે ટ્રેવિસ હેડે 12 બોલમાં 22 રન બનાવ્યા. અનિકેત અને ક્લાસેન સિવાય લગભગ બધા જ બેટ્સમેન ફ્લોપ રહ્યા.


