ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થતાં જ BCCIએ IPLની બાકીની મેચો માટે નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. IPL 2025ની બાકીની 13 ગ્રુપ સ્ટેજ મેચો જેમાં ફાઇનલ, ક્વોલિફાયર અને એલિમિનેટરનો સમાવેશ થાય છે, હવે 17 મે થી 3 જૂન દરમિયાન રમાશે. જો કે નવા શેડ્યૂલની જાહેરાત કરતી વખતે, BCCI એ તેના એક નિર્ણયથી પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. જેમાં તેણે 5 શહેરો એવા છે કે જ્યાં આઇપીએલની મેચ યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતના માત્ર 6 શહેરોમાં જ આઇપીએલની મેચ નવા સમયપત્રક હેઠળ રમાશે.
આ શહેરોમાં IPL 2025 ની મેચો પર પ્રતિબંધ કેમ છે?
હવે પ્રશ્ન એ છે કે ભારતના તે 5 શહેરોમાં IPL 2025 ની મેચો પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો ? તો આનો જવાબ એ છે કે તે શહેરો સરહદની નજીક છે. નવા સમયપત્રકમાં BCCI એ મેચોનું આયોજન કરવા માટે એ જ 6 શહેરોની પસંદગી કરી છે, જે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદથી ઘણા દૂર છે. જે કોઈ પડોશી દેશની સરહદને અડીને નથી. ત્યારે આવો જાણીએ કયા શહેરો પર પ્રતિબંધ અને કયા શહેરોમાં યોજાશે મેચ
આ શહેરોમાં જ થશે આયોજન
મહત્વનું છે કે IPL 2025 ની મેચો અગાઉ બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનૌ, ચેન્નાઈ, ધર્મશાળા, કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ, મુલ્લાનપુર, વિશાખાપટ્ટનમ અને ગુવાહાટીમાં યોજાઈ હતી. આ 13 શહેરોમાંથી હવે ફક્ત 6 સ્થળોએ જ IPL ૨૦૨૫ મેચોનું આયોજન થશે. તે 6 સ્થળો બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનૌ, મુંબઈ અને અમદાવાદ છે.
ધર્મશાલામાં કેમ કોઈ મેચ નહી ?
બાકીના શહેરોમાં વિશાખાપટ્ટનમ અને ગુવાહાટીનું બહુ મહત્વ નથી કારણ કે ત્યાં બહુ મેચો યોજાઈ ન હતી. ધર્મશાલા પંજાબ કિંગ્સનો બીજો બેઝ પણ છે, પરંતુ તે મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે અહીં મેચ ચાલી રહી હતી, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ઉતાવળે રદ કરવામાં આવી હતી. ધર્મશાલા ભારતની આંતરરાષ્ટ્રીય સરહદથી બહુ દૂર નથી, જેના કારણે BCCI એ અહીં વધુ મેચ ન યોજવાનો નિર્ણય લીધો.
આ શહેરોમાં પણ IPL 2025ની કોઈ મેચ નહીં હોય
ધર્મશાલા સિવાય, ચેન્નાઈ, મુલ્લાનપુર, કોલકાતા અને હૈદરાબાદમાં હવે કોઈ મેચ નહીં હોય. ચેન્નાઈ, મુલ્લાનપુર, કોલકાતા ભારતની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા શહેરો છે. ચેન્નાઈ અને હૈદરાબાદમાં મેચનું આયોજન ન કરવાનું બીજું કારણ IPL 2025 માં તે શહેરોની ટીમોનું ખરાબ પ્રદર્શન છે. તેઓ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.


