IPL 2025ની 58મી મેચ 17 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે રમાવવાની છે. આ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. પોઈન્ટ ટેબલમાં RCB બીજા સ્થાને છે. જ્યારે KKR છઠ્ઠા સ્થાને છે. RCB આ મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. તો બીજી તરફ, KKR આ મેચ જીતીને પ્લેઓફની રેસમાં રહેવા પ્રયત્ન કરશે. પરંતુ હવે KKR પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો અનુભવી રહ્યું છે.
KKR પ્લેઓફ રેસમાંથી બહાર થઈ જશે!
17 મેના રોજ RCB અને KKR વચ્ચે મેચ રમાશે. મેચ પર વરસાદનો ખતરો છે. જો મેચ રદ થશે તો KKR પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. એક તરફ, RCB 1 પોઈન્ટ મેળવ્યા પછી પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. જ્યારે KKR પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. હવે KKR માટે 1 પોઈન્ટથી કોઈ ફરક પડવાનો નથી. જો KKR પ્લેઓફની રેસમાં ટકી રહેવા માંગે છે. તો તેણે દરેક મેચ જીતવી પડશે અને 2 પોઈન્ટ મેળવવા પડશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025માં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે. જેમાંથી અજિંક્ય રહાણેની ટીમે 5 જીત અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ રદ કરવામાં આવી હતી. હાલમાં, KKR 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
અઠવાડિયાના વિરામ બાદ IPL ફરી શરૂ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે રદ કરી હતી. જે બાદ હવે આ ટુર્નામેન્ટ 17 મેથી ફરી શરૂ થઈ રહી છે. રદ થયા પછી, IPL 2025ની ફાઇનલની તારીખ પણ બદલાઈ છે. હવે ફાઇનલ મેચ 25 મેના સ્થાને 3 જૂને રમાશે. પ્લેઓફ 29 મેથી શરૂ થશે. જેનું સ્થળ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.


