IPL 2025માં લખનૌ સુપર જાઈન્ટ્સના ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમ IPL 2025ના પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. ટીમ માટે સ્પિન બોલર દિગ્વેશ રાઠીએ પણ શાનદાર બોલિંગ કરી હતી.
દિગ્વેશ રાઠીએ LSG માટે પોતાની શાનદાર બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. IPL 2025 પછી દિગ્વેશ રાઠી સ્થાનિક લીગમાં ધૂમ મચાવી રહ્યો છે. તેને 5 બોલમાં 5 વિકેટ લઈને ધૂમ મચાવી દીધી.
દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ
IPL 2025 બાદ દિગ્વેશ રાઠીએ ધૂમ મચાવી. તેને 5 બોલમાં 5 વિકેટ લીધી. દિગ્વેશ રાઠીએ એક સ્થાનિક લીગમાં ભાગ લીધો. આ દરમિયાન તેને તેના પહેલા બોલ પર બેટ્સમેનને બોલ્ડ કર્યો. આ પછી તે આગામી 3 બોલમાં 3 બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કરવામાં સફળ રહ્યો. પાંચમા બોલ પર, તેને બેટ્સમેનને LBW આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો. આ રીતે, સ્પિન બોલરે સતત 5 બોલમાં 5 વિકેટ લઈને ધૂમ મચાવી.
દિગ્વેશની આ શાનદાર બોલિંગનો વીડિયો લખનૌ સુપર જાઈન્ટ્સના માલિક સંજીવ ગોયનકાએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમને વીડિયો શેર કરતા લખ્યું છે કે તેમને દિગ્વેશ રાઠીની સ્થાનિક T20 મેચમાં 5 માંથી 5 વિકેટ લેતી આ ક્લિપ જોઈ. આ તેના ટેલેન્ટની એક ઝલક છે, જેના કારણે તે IPL 2025 માં લખનૌ IPL માટે બ્રેકઆઉટ સ્ટાર બન્યા. દિગ્વેશ રાઠીએ આ મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. સંજીવ ગોયનકા સિવાય LSG એ આ વીડિયો ઓફિશિયલ હેન્ડલ પર શેર કર્યો છે.
આવું રહ્યું છે IPL 2025માં તેનું પ્રદર્શન
25 વર્ષના આ બોલરે IPL 2025 માં LSG માટે 13 મેચમાં 14 બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યો. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 8.25 હતો. પરંતુ દિગ્વેશ તેના સેલિબ્રેશનને લઈને ઘણી વખત વિવાદોમાં આવ્યો હતો. BCCIએ તેના નોટબુક સેલિબ્રેશન પર દંડ પણ ફટકાર્યો હતો. IPL દરમિયાન તે તેના સેલિબ્રેશનને લઈને મેદાન પર ઘણા ખેલાડીઓ સાથે ઝઘડો કરતો પણ જોવા મળ્યો હતો.