મંગળવારે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ રમાઈ હતી. આ મુકાબલામાં લખનૌના બોલર શાર્દુલ ઠાકુરે કોઈ પણ બાઉન્ડ્રી આપ્યા વિના એક જ બોલમાં 6 રન આપ્યા.
આ કેવી રીતે થઈ શકે, જો કોઈ બોલ પર છગ્ગો ફટકારવામાં આવે તો જ તેના પર 6 રન બની શકે છે. પરંતુ અહીં કોઈ ચાર, કોઈ છગ્ગો અને ઓવર-થ્રોમાંથી કોઈ રન નહોતા. તમને જણાવી દઈએ કે એવો કયો ચમત્કાર થયો કે ઠાકુરે એક જ બોલમાં બાઉન્ડ્રી આપ્યા વિના 6 રન આપી દીધા.
આ ઘટના KKR ની ઈનિંગની 13મી ઓવરની છે, જેમાં શાર્દુલ ઠાકુર બોલિંગ કરવા આવ્યો હતો. તેનું નસીબ એટલું ખરાબ હતું કે તેને સતત 5 વાઈડ બોલ ફેંક્યા. છઠ્ઠા પ્રયાસમાં, તેને ઓવરનો પહેલો કાયદેસર બોલ નાખ્યો, જેના પર અજિંક્ય રહાણેએ 1 જ રન લીધો. આ રીતે, તેને કોઈ પણ બાઉન્ડ્રી આપ્યા વિના માત્ર 1 બોલમાં 6 રન આપ્યા.
એક જ ઓવરમાં 5 વાઈડ અને પછી…
શાર્દુલ ઠાકુરે 13મી ઓવર પૂરી કરવા માટે 11 બોલ ફેંક્યા, જ્યારે એક ઓવરમાં ફક્ત 6 બોલ હોય છે. રસપ્રદ વાત એ હતી કે ઠાકુરે એક જ ઓવરમાં 5 વાઈડ બોલ ફેંક્યા અને તે જ ઓવરમાં KKRના કેપ્ટન અજિંક્ય રહાણેની વિકેટ પણ લીધી. પહેલા 5 બોલમાં 13 રન બન્યા જેમાં 5 વાઈડનો સમાવેશ થાય છે. ઠાકુરનો છેલ્લો બોલ ફુલ-ટોસ હતો, જેને રહાણે યોગ્ય રીતે સમજવામાં નિષ્ફળ ગયો અને નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ થયો.
IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો શાર્દુલ ઠાકુર
IPL 2025 મેગા ઓક્શનમાં શાર્દુલ ઠાકુર અનસોલ્ડ રહ્યો. LSG બોલર મોહસીન ખાન ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હોવાથી, શાર્દુલ ઠાકુરને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. આ રિપ્લેસમેન્ટ LSG માટે શાનદાર સાબિત થયું છે કારણ કે તે IPL 2025 માં લખનૌ માટે અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અત્યાર સુધીમાં તેને 5 મેચમાં 8 વિકેટ લીધી છે.


