મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે IPL 2025 અત્યાર સુધી ખૂબ જ સારું રહ્યું છે. હાર્દિકે તમામ પ્રકારે પોતાની ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે અને સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે તેની બોલિંગ ઘણી નબળી જોવા મળી છે. ક્રિકેટમાં 1 ઓવરમાં 6 કાયદેસર બોલ ફેંકવામાં આવે છે. પરંતુ હાર્દિક પંડ્યાએ ગુજરાત સામેના તે 6 કાયદેસર બોલ માટે એટલા બધા બોલ ફેંક્યા કે તેનું નામ શરમજનક યાદીમાં હવે નોંધાઈ ગયું છે.
હાર્દિક પંડ્યાની 1 ઓવર એટલે 11 બોલ!
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં એક ઓવરમાં 11 બોલ ફેંક્યા છે. આ ઓવરમાં 6 કાયદેસરના બોલ નાખ્યા હતા, આ ઉપરાંત તેને 3 વાઈડ બોલ અને 2 નો બોલ ફેંક્યા હતા. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં કુલ 18 રન આપ્યા હતા.
હાર્દિક પંડ્યાએ ઓવરની શરૂઆત 3 કાયદેસર બોલથી કરી, જેમાં તેને વિરોધી ટીમને 6 રન આપ્યા. આ પછી તેને એક વાઈડ બોલ ફેંક્યો અને પછીનો બોલ નો બોલનો હતો. તે અહીં જ અટક્યો નહીં, તેને ફરીથી એક વાઈડ બોલ અને એક નો બોલ ફેંક્યો. પછી ચોથા કાયદેસર બોલ પર 6 રન આપ્યા. તેને છેલ્લા 2 કાયદેસર બોલ વચ્ચે એક વાઈડ બોલ પણ ફેંક્યો, જેના કારણે તે શરમજનક યાદીમાં સામેલ થઈ ગયો છે. ફેન્સ પણ તેના આ પ્રકારના પ્રદર્શનને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે.
તુષાર દેશપાંડે અને શાર્દુલ ઠાકુરના લિસ્ટમાં જોડાયું હાર્દિક પંડ્યાનું નામ
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી IPLના ઈતિહાસમાં એક ઓવરમાં ફેંકાયેલા બોલની મહત્તમ સંખ્યા 11 છે. હાર્દિક પંડ્યા આવું કારનામું કરનારો પાંચમો બોલર છે. તેના પહેલા આ જ સિઝનમાં, સંદીપ શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે એક ઓવરમાં 11 બોલ ફેંક્યા હતા. તે જ સમયે, મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે અને શાર્દુલ ઠાકુર પણ આ શરમજનક યાદીમાં સામેલ છે. શાર્દુલ ઠાકુરે પણ તે જ સિઝનમાં KKR સામે 11 બોલની ઓવર નાખી હતી. સિરાજે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે અને તુષાર દેશપાંડેએ 2023માં લખનૌ સામે આ કામ કર્યુ હતું.


