મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા, લેફ્ટ ફાસ્ટ બોલર અશ્વિની કુમારે સોમવારે IPLમાં ડેબ્યૂ કર્યું, જેમાં તેને 4 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો. તેને પોતાની પહેલી ઓવરના પહેલા બોલ પર અજિંક્ય રહાણેને આઉટ કર્યો.
આ પછી તેને તેના 3 ઓવરના સ્પેલમાં કુલ 4 વિકેટ લીધી. તે IPL ડેબ્યૂ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. મેચ પછી હાર્દિક પંડ્યાએ તેની ખૂબ પ્રશંસા કરી, પરંતુ ટોસ દરમિયાન તે લગભગ પોતાનું નામ ભૂલી ગયો હતો.
મોહાલીના ઝાંઝેરીના અશ્વિની કુમારના રેકોર્ડ સ્પેલને કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ 116 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સે 13મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને 8 વિકેટથી મોટી જીત મેળવી. મેચ પછી અશ્વિનીએ કહ્યું કે આજે તક મળવી એ તેના માટે મોટી વાત હતી. અશ્વિનીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો.
અશ્વિની કુમારે કર્યો મોટો ખુલાસો
મેચ પછી અશ્વિનીએ કહ્યું કે “મારા માટે એ ખૂબ મોટી વાત છે કે મને આ તક મળી અને મને આ એવોર્ડ મળી રહ્યો છે. મેં ક્યારેય તેના વિશે વિચાર્યું ન હતું, બસ મારી પ્રક્રિયા પૂર્ણ કરી અને આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું. હું મોહાલી જિલ્લાના ઝાંજેરીથી છું, ત્યાંથી અહીં આવી રહ્યો છું, આ મારી મહેનતનું પરિણામ છે અને ભગવાનની કૃપાથી હું અહીં છું. મને આત્મવિશ્વાસ હતો, પણ હું થોડો નર્વસ પણ હતો, શું થશે તે વિચારીને.”
અજિંક્ય રહાણે પછી, પેસ બોલરે રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલને આઉટ કર્યા. તેને પાંડે અને રસેલને બોલ્ડ આઉટ કર્યા. તેને કહ્યું કે રસેલ અંગે, કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને શોર્ટ અને તેના શરીર પર બોલિંગ કરવાનું કહ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સે ઓક્શનમાં અશ્વિની કુમારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો. મેચ પછી, હાર્દિક પંડ્યાએ તેને શોધવાનો શ્રેય મુંબઈ ઈન્ડિયન્સની સ્કાઉટિંગ ટીમને આપ્યો. પહેલી ઈનિંગ પછી, અશ્વિની કુમારે કહ્યું હતું કે મેચ પહેલા તે થોડો નર્વસ અનુભવી રહ્યો હતો. તેને બપોરનું ભોજન ન કર્યું અને ફક્ત એક કેળું ખાધું.
અશ્વિનીનું નામ ભૂલી ગયો હતો હાર્દિક પંડ્યા
મેચ શરૂ થાય તે પહેલા ટોસ દરમિયાન હાર્દિક પંડ્યા અશ્વિની કુમારનું નામ લગભગ ભૂલી ગયો હતો. મેચ પૂરી થયા પછી, તેને ઈન્સ્ટાગ્રામ પર અશ્વિનીનો ફોટો શેર કર્યો અને તેના માટે ‘આઉટસ્ટેન્ડિંગ’ લખ્યું.
હાર્દિક પંડ્યાએ સ્કાઉટ ટીમને આપ્યો શ્રેય
મેચ પછી હાર્દિક પંડ્યાએ કહ્યું કે “અમને લાગ્યું કે અશ્વિની કુમાર (આ પીચ પર) આવી શકે છે અને જે રીતે બોલિંગ કરી રહ્યો છે તે રીતે બોલિંગ કરી શકે છે. આ બધું સ્કાઉટ્સનું કામ છે, તેમને તેને પસંદ કર્યો. તેઓ બધી જગ્યાએ ગયા અને આ યુવા ખેલાડીઓને પસંદ કર્યા. અમે એક પ્રેક્ટિસ મેચ રમી જેમાં તેને પ્રભાવિત કર્યા. તે સ્વિંગ કરી રહ્યો હતો, કેટલીક વિકેટની બહાર, એક અલગ એક્શન અને તે ડાબોડી હતો. અમે તેને સપોર્ટ કર્યો અને તેને રસેલની વિકેટ જે રીતે લીધી તે ખૂબ જ મહત્વપૂર્ણ વિકેટ હતી, અને તેણે ડી કોકનો કેચ જે રીતે લીધો તે જોવા માટે ખૂબ જ સરસ હતું.”
અશ્વિની કુમાર IPL ડેબ્યૂ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય અને છઠ્ઠો ખેલાડી બન્યો છે. આ લિસ્ટમાં અલઝારી જોસેફ (6/12), એન્ડ્રુ ટાય (5/17), શોએબ અખ્તર (4/11)નો પણ સમાવેશ થાય છે.


