IPL 2025માં ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. જેમાં ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે. હજુ સુધી ચોથી ટીમ પ્લેઓફમાં પ્રવેશી નથી, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સને મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
હાલમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. પ્લેઓફ પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં ત્રણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. ટીમે ત્રણ ખેલાડીઓના સ્થાને ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ એ થયો કે હવે મુંબઈમાં 3 નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા આ 3 ખેલાડીઓ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે રદ્દ કરવામાં આવી હતી. જે બાદ વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા. કેટલાક ખેલાડીઓ પાછા ફર્યા હતા, પરંતુ કેટલાક રાષ્ટ્રીય ફરજને કારણે IPLમાં પાછા ફરી શક્યા ન હતા. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના 3 ખેલાડીઓનો પણ સમાવેશ થતો હતો.
ટીમ દ્વારા હવે વિલ જેક્સ, રિયાન રિકલ્ટન અને કોર્બિન બોશના સ્થાને ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે. આ ત્રણ ખેલાડીઓને ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો, શ્રીલંકાના ચરિથ અસલંકા અને રિચાર્ડ ગ્લીસને સ્થાન આપવામાં આવ્યું છે. જો મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે, તો આ ત્રણ ખેલાડીઓ પ્લેઓફની મેચમાં ઉપલબ્ધ થશે.
આ ત્રણેય ખેલાડીઓને મળશે મોટી રકમ
ઈંગ્લેન્ડના ડેશિંગ ઓલરાઉન્ડર વિલ જેક્સના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટોનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને 5.25 કરોડ રૂપિયા સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચાર્ડ ગ્લીસનને રિયાન રિકલ્ટનની જગ્યાએ 1 કરોડ રૂપિયાની કિંમતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કોર્બિન બોશની જગ્યાએ ચારિથ અસલંકાને 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.


