ધર્મશાળામાં યોજાનારી IPL મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ છે. 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને PoK વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ છે.
તે તણાવને ધ્યાનમાં રાખીને, 11 મેના રોજ ધર્મશાળામાં યોજાનારી મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મશાળા મેચ હવે અમદાવાદમાં યોજાશે.
ધર્મશાળામાં નહીં, પણ અમદાવાદમાં રમાશે આ મેચ
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે મેચ ધર્મશાળાથી ખસેડવાની માહિતી આપી હતી. તેમને કહ્યું કે 11 મેના રોજ યોજાનારી પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ હવે અમદાવાદ ખસેડવામાં આવી છે. પરંતુ પહેલા એવી અટકળો હતી કે આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ખસેડી શકાય છે. IPL 2025 માં અમદાવાદ ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ છે.
મેચ બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?
ઓપરેશન સિંદૂરની સફળતા પછી, પાકિસ્તાન તરફથી વળતા હુમલાના ભયને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે આગામી કેટલાક કલાકો માટે સરહદને અડીને આવેલા રાજ્યો અને શહેરોના એરપોર્ટ બંધ કરી દીધા છે. આ એરપોર્ટ પરથી તમામ પ્રકારની નાગરિક ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. ધર્મશાળા પણ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 150 કિલોમીટર દૂર છે. આ પરિસ્થિતિમાં, ત્યાંના એરપોર્ટને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ કારણ છે કે મુંબઈ અને પંજાબ વચ્ચે ત્યાં યોજાનારી મેચને ખસેડવામાં આવી છે.
પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ પર કોઈ અસર નહીં પડે
8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ છે. પરંતુ આ મેચ પર કોઈ અસર પડી નથી. અગાઉ એવી અટકળો હતી કે આ મેચનું સ્થળ પણ બદલાઈ શકે છે. પરંતુ, પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ હવે શરૂ થવાની છે. કાર્યક્રમ મુજબ, તે ફક્ત ધર્મશાળામાં જ યોજાશે.


