પંજાબ કિંગ્સે ક્વોલિફાયર 2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. હવે ફાઈનલમાં પંજાબ કિંગ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની કઠિન પરીક્ષાનો સામનો કરવો પડશે.
આ પહેલા આ બંને ટીમો ક્વોલિફાયર 1 માં આમને સામને હતી, જેમાં RCBએ બાજી મારી હતી. ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર ઈનિંગ્સ રમી હતી, જ્યારે મેચ પછી શ્રેયસ તેની ટીમના ખેલાડી શશાંક સિંહ પર ખૂબ ગુસ્સે થતો જોવા મળ્યો હતો.
શશાંક સિંહ પર ગુસ્સે થયો કેપ્ટન શ્રેયસ ઐયર
મેચ પછી કેપ્ટન શ્રેયસ ઐયર તેની ટીમના ખેલાડી શશાંક સિંહ પર ગુસ્સે થતો જોવા મળ્યો. આ દરમિયાન તેને શશાંક સાથે હાથ પણ ન મિલાવ્યો. ફેન્સના મતે આ વીડિયોમાં શ્રેયસ ઐયર અપશબ્દ બોલતો જોવા મળી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પંજાબ કિંગ્સ બેટિંગ દરમિયાન થોડી મુશ્કેલીમાં હતી, ત્યારે શશાંક બેટિંગ કરવા આવ્યો હતો અને તેની સાથે બીજા છેડે કેપ્ટન શ્રેયસ ઐયર હતો.
મુંબઈ તરફથી જ્યારે 17મી ઓવર ટ્રેન્ટ બોલ્ટ ફેંકી રહ્યો હતો, ત્યારે શશાંક રન આઉટ થયો. શશાંક આ રન પૂરો કરી શક્યો હોત પણ તે ક્રીઝ વચ્ચે થોડો ધીમે દોડવી લાગ્યો. હાર્દિક પંડ્યાએ શશાંકને ડાયરેક્ટ થ્રો કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો અને તે ફક્ત 2 રન બનાવીને આઉટ થયો. જેના કારણે શ્રેયસ ઐયર શશાંક પર ગુસ્સે થતો જોવા મળ્યો.
શ્રેયસ ઐયરે રમી કેપ્ટનશીપની ઈનિંગ્સ
આ મેચમાં શ્રેયસ ઐયરે શાનદાર ઈનિંગ રમી અને ક્વોલિફાયર 2 માં પંજાબ કિંગ્સને જીત અપાવી. બુમરાહથી લઈને ટ્રેન્ટ બોલ્ટ સુધીના બધા યોર્કરને આ મેચમાં શ્રેયસ ઐયરે બાઉન્ડ્રી પાર મોકલી દીધા. શ્રેયસ ઐયરે ધમાકેદાર બેટિંગ કરી અને 41 બોલમાં 87 રનની અણનમ ઈનિંગ રમી. આ દરમિયાન તેને 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. શ્રેયસ ઐયરને તેની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું.
મેચમાં પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બોલિંગ કરતા અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 4 ઓવરમાં 43 રન આપીને સૌથી વધુ 2 વિકેટ લીધી. આ પછી પંજાબ કિંગ્સે પણ 19 ઓવરમાં આ ટાર્ગેટને ચેઝ કર્યો. કેપ્ટન શ્રેયસ ઐયરે 19મી ઓવરમાં અશ્વિની કુમારની બોલિંગ સામે 4 બોલમાં 4 છગ્ગા ફટકારીને મેચનો અંત કર્યો.