રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સિઝનમાં, RCB ની બેટિંગ અને બોલિંગ જોરદાર રહી છે.
આ સિઝનમાં RCBની કમાન રજત પાટીદારના હાથમાં છે અને રજત શાનદાર રીતે કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે પહેલી જ સિઝનમાં, રજતે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે, આ સાથે તે હવે એમએસ ધોની, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે.
રજત પાટીદારે પહેલી જ સિઝનમાં રચ્યો ઈતિહાસ
રજત પાટીદાર આઈપીએલમાં પહેલી વાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું નેતૃત્વ કરી રહ્યા છે અને પોતાની પહેલી જ સિઝનમાં તેને ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. વિરાટ કોહલી પણ પોતાના કરિયરમાં આવી સિદ્ધિ મેળવી શક્યો નહીં. રજત પહેલા, એમએસ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને અનિલ કુંબલે આઈપીએલમાં આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
આરસીબી 8 વિકેટથી જીત્યું
મેચમાં ટોસ જીત્યા બાદ, રજત પાટીદારે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમ માત્ર 101 રન જ બનાવી શકી. પંજાબ તરફથી માર્કસ સ્ટોઈનિસે સૌથી વધુ 26 રન બનાવ્યા. આ સિવાય પ્રભસિમરન સિંહે 18 રનની ઈનિંગ રમી હતી. આરસીબી તરફથી જોશ હેઝલવુડ અને સુયશ શર્માએ 3-3 વિકેટ લીધી અને યશ દયાલે 2 વિકેટ લીધી.
આ પછી, RCB એ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ મેચમાં વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો પરંતુ ફિલ સોલ્ટે શાનદાર ઈનિંગ રમી. સોલ્ટે વિસ્ફોટક બેટિંગ કરી અને 27 બોલમાં 56 રન બનાવ્યા. આ સિવાય મયંક અગ્રવાલે 19 અને રજત પાટીદારે અણનમ 15 રન બનાવ્યા હતા.


