રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું. IPL 2025 માં RCB ની આ પાંચમી જીત છે. આ મેચમાં પંજાબની ટીમે પહેલા રમતા 157 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમે 19મી ઓવરમાં 7 વિકેટ બાકી રહેતા સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું.
આરસીબી તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે વિરાટ હવે IPL ઈતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
આરસીબીનો પાંચમો વિજય
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 158 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં આરસીબીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફિલ સોલ્ટ પહેલી ઓવરમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પછી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે 103 રનની પાર્ટનરશિપ સાથે RCBને વિજયની નજીક પહોંચાડી દીધું. પડિકલે 35 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા.
બેંગલુરુએ 109 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ કેપ્ટન રજત પાટીદાર વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહીં અને 12 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી હજુ પણ ક્રીઝ પર રહ્યો, તેને 54 બોલમાં 73 રન બનાવીને પોતાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો.
વિરાટ કોહલીની ઐતિહાસિક અડધી સદી
વિરાટ કોહલી હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેને આ મામલે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે.


