IPL 2025 શરૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. IPLની 18મી સીઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. KKR અને RCB બંને આ સિઝનમાં નવા કેપ્ટનો સાથે પ્રવેશ કરશે.
અજિંક્ય રહાણેને KKRની કમાન સોંપવામાં આવી છે. RCBની કેપ્ટનશીપ રજત પાટીદારને સોંપવામાં આવી છે. પાટીદારને તાજેતરમાં RCBનો કેપ્ટન બનાવવામાં આવ્યો. હવે ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રજત પાટીદારના કેપ્ટન બનવા પર પ્રતિક્રિયા આપી છે.
વિરાટ કોહલીએ કહી આ વાત
ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા કેપ્ટન રજત પાટીદાર લાંબા સમય સુધી કેપ્ટનશીપ કરશે. 2008 માં IPLની શરૂઆતથી RCB માટે રમી રહેલા વિરાટ કોહલી ટીમનો ચહેરો રહ્યો છે. તેમણે એક દાયકાથી વધુ સમય સુધી કેપ્ટનશીપ પણ કરી છે.
ફાફ ડુ પ્લેસિસના સ્થાને પાટીદારને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ડુ પ્લેસિસ હવે દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. દિલ્હીએ ફાફને કેપ્ટનશીપ સોંપી નથી. દિલ્હીએ અક્ષર પટેલને કેપ્ટન અને ફાફ ડુ પ્લેસિસને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
હું ખૂબ જ ઉત્સાહિત છું: વિરાટ કોહલી
સોમવારે ટીમના અનબોક્સિંગ ઈવેન્ટમાં કોહલીએ RCB ફેન્સને કહ્યું કે “આ લાંબા સમય સુધી તમારો કેપ્ટન રહેશે.” તે એક સારો કેપ્ટન સાબિત થશે, તેની પાસે સફળ થવા માટે જરૂરી બધું જ છે. દરેક સિઝનની જેમ અહીં પણ ઉત્સાહ અને આનંદ છે. હું 18 વર્ષથી રમી રહ્યો છું અને મને RCB ખૂબ ગમે છે. અમારી પાસે એક શાનદાર ટીમ છે અને હું ખૂબ જ ઉત્સાહિત છું.
રજત પાટીદારે કહી આ વાત
રજત પાટીદારે કહ્યું, “વિરાટ ભાઈ, એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ જેવા દિગ્ગજો આરસીબી માટે રમ્યા છે. હું તેમને જોઈને મોટો થયો છું. મને શરૂઆતથી જ આ ટીમ ગમતી આવી છે અને મને ખુશી છે કે મને T20 ક્રિકેટમાં આટલી મોટી ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી.”


