રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આખરે 17 વર્ષ પછી ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. બેંગલુરુએ CSK ને 50 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ પહેલા, RCB એ છેલ્લે 2008 માં આ મેદાન પર ચેન્નાઈને હરાવ્યું હતું.
બેંગલુરુની આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન રજત પાટીદારે મોટી ભૂમિકા ભજવી હતી, જેને 51 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. RCB એ ચેન્નાઈને હરાવવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો હતો, જેનો ખુલાસો પોતે કેપ્ટન પાટીદારે કર્યો હતો.
RCBએ બનાવ્યો ખાસ પ્લાન
CSK સામેની જીત બાદ મેચ પછીની પ્રેઝન્ટેશનમાં, રજત પાટીદારે કહ્યું કે “ચેપોકની પિચ બેટિંગ માટે સરળ ન હતી. અમે પહેલા બેટિંગ કરતી વખતે 200 રનનો સ્કોર પહોંચવા માંગતા હતા કારણ કે અમે જાણતા હતા કે અહીં પીછો કરવો સરળ નથી. મારો ધ્યેય ખૂબ જ સ્પષ્ટ હતો કે જ્યાં સુધી હું ક્રીઝ પર છું ત્યાં સુધી હું દરેક બોલ પર રન બનાવવાનો પ્રયાસ કરીશ. અમે અમારી બેટિંગ લાઈન-અપમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી.”
રજત પાટીદારે એમ પણ કહ્યું કે તેઓ શરૂઆતમાં સ્પિન બોલરોનો ઉપયોગ કરવા માંગે છે. તેમની રણનીતિ પણ અસરકારક સાબિત થઈ કારણ કે લિયામ લિવિંગસ્ટોન ખૂબ જ ઘાતક સાબિત થયો. મેચમાં લિવિંગસ્ટોને 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી. આ સિવાય પાટીદારે જોશ હેઝલવુડની પહેલી ઓવરને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી, જેને મેચ RCBના પક્ષમાં ફેરવી દીધી.
RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અત્યાર સુધી IPL 2025 માં પોતાની બંને મેચ જીતી છે. પહેલી મેચમાં બેંગ્લુરુએ KKR ને 7 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે હવે બેંગ્લુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 50 રનથી જીત મેળવી છે. સતત બે મેચ જીતીને બેંગલુરુ 4 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે.


